Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ખાડી પૂર ઓસરી ગયા હોવા છતાં શહેરનાં કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો હજી પણ જોવા મળી રહ્યો છે

  • July 27, 2024 

સુરત શહેરમાં ગત રવિવારથી શરુ થયેલો વરસાદ ગુરુવારથી થોડો ધીમો થયો છે. જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સુરતમાં ખાડી પૂર ઘૂસી ગયા હતા. જોકે વરસાદે પોરો ખાતે ખાડીની સપાટી ડેન્જર લેવલથી નીચી આવી છે. પરંતુ ખાડી પૂર ઓસરી ગયા હોવા છતાં પણ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો હજી પણ જોવા મળી રહ્યો છે. સતત છઠ્ઠા દિવસે આજે પણ શહેરના સણીયા હેમાદ, મીઠીખાડી, કુંભારીયા ગામમાં સતત છઠ્ઠા દિવસે પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે તેથી લોકોની હાલત કફોડી થઈ રહી છે. સુરત શહેર સાથે જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ હતી અને શહેરમાં ખાડી પૂર આવી ગયા હતા. સુરત શહેરમાં ખાડી પૂરની તીવ્રતા એટલી બધી હતી કે લિંબાયત, વરાછા એ અને બી ઝોન, ઉધના ઝોન, અઠવા ઝોન સહિતના વિસ્તારમાં ખાડીના પાણી ઘુસી ગયા હતા.


જયારે સાંજથી જિલ્લામાં વરસાદનું જોર ઘટી જતાં ગુરૂવારે મોડી રાત્રિ સુધીમાં તમામ ખાડીઓ ડેન્જર લેવલથી નીચે આવી ગઈ હતી. જોકે, હજી પણ ખાડીઓ છલોછલ છે અને તેના કારણે હજી પણ નીચાણવાળા વિસ્તારોમાં ખાડીના પાણી જોવા મળી રહ્યા છે. ખાડી પૂરના કારણે સૌથી વધુ અસર સણીયા હેમાદ અને કુંભારીયા ગામ સાથે મીઠી ખાડી વિસ્તારમાં લોકોને થઈ હતી. તેમછતાં છઠ્ઠા દિવસે પણ સણીયા હેમાદ, મીઠીખાડી અને કુંભારીયા ગામમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. સતત છ દિવસથી લોકોના ઘરમાં અને સોસાયટીની ફરતે પાણી હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે.


સુરત શહેરમાં સતત વરસી રહેલ ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા તથા ખાડી કિનારાના વિસ્તારોની સુરત કમિશનર દ્રારા ગુરૂવારે મુલાકાત લેવામાં આવી હતી અને સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી તેમજ રાહત કામગીરી બાબતે સુચના આપી હતી. પાણીના ભરાવાના કારણે રોગચાળો ફાટી નિકળવાની ભિતિ છે. ત્યારે મેડિકલ અને ફાયર ટીમો કાર્યરત છે. ઠેર ઠેર દવાનો છંટકાવ કરવામાં આવી છે. તેમજ જરૂરિયાત મંદોને દૂધ, પાણી અને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. સાઉથ ઝોન બી માં સુરત નવસારી મેન રોડ, ટ્રેન્ચ લાઈન, ઉન સબ્જી માર્કેટ પાસે, શાલીમાર પાર્ક, દરબારનગર ઉન, ઇસ્ટ ઝોન બી સવજી કોરાટ બ્રિજ પાસે, ઇસ્ટ ઝોન એ માં ગીતાંજલિ પોલીસ ચોકી પાસે, ડાહ્યાપાર્ક ચાર રસ્તા પર રોડ રીપેર કામગીરી કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application