Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીની સાથે સાથે, આદિજાતિ જિલ્લા ડાંગની પોતિકી ઓળખ : 'આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ'

  • August 09, 2023 

તાજેતરમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટડના એમ.ડી.ડી.એચ.શાહ (IAS)એ પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લાની જાત મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડાંગના જિલ્લા વિકાસ અધિકારી (IAS)ની સહઅધ્યક્ષતામાં સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા યોજના, તેમજ FPO યોજનાની સમીક્ષા પણ હાથ ધરી હતી. ભારતના સૌ પ્રથમ પ્રાકૃતિક કૃષિ આધારિત ડાંગ જિલ્લામાં પધારેલા એમ.ડી.શ્રીની સાથે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી (GOPCA)ના નિયામક શ્રી એમ.કે.કુરેશી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ઇમ્પ્લિમેન્ટેશન હેઠળ, ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષકો માટે મહત્વની બે યોજનાઓ ચાલી રહી છે.



જેમાં એક પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના 'ઓર્ગેનિક સર્ટિફિકેશન' ની કામગીરી. જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના NPOPના ધારાધોરણો મુજબ, જૂથ સર્ટિફિકેશન (ICS) બનાવી, ખેડૂતોને ઓર્ગેનિક ધારા ધોરણો પ્રમાણે વાવેતર માટેની જમીનની તૈયારીથી શરુ કરી વાવેતર, જાળવણી, કાપણી, અને સંગ્રહ સુધીની વિવિધ તાલીમો અપાતી હોય છે. ઉપરાંત ખેડૂતોની પોતાની જ કંપની એટલે કે FPO (ફાર્મર પ્રોડ્યુસર કંપની) બનાવવામાં આવી છે. જેમાં માત્ર ખેડૂતો જ જોડાઈ, પોતાની એક સંસ્થા/કંપની બનાવે, અને એમાં જોડાયેલા ખેડૂતોને પાયાની જરૂરિયાત જેમ કે બિયારણ, પ્રાકૃતિક ખાતર જીવામૃત, ઘન જીવામૃત, અન્ય પ્રાકૃતિક સંશાધનો, જણસીનું પ્રોસેસિંગ જેમ કે શોર્ટિંગ, ગ્રેડિંગ, મૂલ્યવર્ધન કરી માર્કેટ કરી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક યોજના (ICS) જેમાં સંપૂર્ણ ટ્રેસેબિલિટી સાથે, એક સરખી ગુણવતામાં મોટા પ્રમાણમાં જણસી મેળવી, માર્કેટ કરી શકાય એવી વ્યવસ્થાઓ બાબતે ખેડૂતને તાલીમબદ્ધ કરાતા હોય છે.



જયારે બીજી યોજના (FPO)માં એ જ જણસીનું મૂલ્યવર્ધન, અને ટ્રેડિંગ/માર્કેટિંગ બાબતે ખેડૂતોને તાલીમબદ્ધ કરાતા હોય છે. તેમજ વિવિધ સુવિધાઓ જેવીકે તાંત્રિક, આર્થિક, યાંત્રિક સતત ત્રણ અને પાંચ વર્ષ સુધી પુરી પડાતી હોય છે. જયારે આ બંને યોજનાઓને એક સમય થયો હોઇ, તેની કામગીરીની સમીક્ષાનું આયોજન ઉચ્ચ કક્ષાએથી કરાયું હતું. જેમાં હાલ ડાંગ જિલ્લામાં પાંચ FPO બનેલા છે, તેમજ ઓર્ગેનિક સૅર્ટિફિકેશન હેતુ ૬૧ જેટલા ખેડૂત જૂથો બન્યા છે. જેમાં ૧૩ હજારથી વધુ ખડૂતોને આવરી લેવાયા છે, અને યોજનાને અનુરૂપ કામગીરી થઈ રહી છે. દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોરે આગામી સમયમાં પણ વધુને વધુ ખેડૂતો સુધી આ યોજનાનો લાભ પહોંચી શકે, એના માટે જરૂરી તાલીમો, સેમિનારોનું તંત્રને સાથે રાખી વિવિધ સ્તરે આયોજન કરવાનું સૂચન કરાયું હતું. એમ.ડી. શ્રી શાહે કામગીરીના જે તબક્કાઓ નકકી થયા હોય, એ જ રીતે નહિ એથી વિશેષ કામગીરી, આયોજનબદ્ધ રીતે કરવા સૂચન કર્યું હતું.



સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે PMFME યોજના, બાગાયત વિભાગની શેઢાપાળા પર વાવેતર માટેની યોજના જેવી વિવિધ યોજનાઓ પણ FPO, અને જુથો દ્વારા ખેડૂતો સુધી પહોંચે, અને ખેડૂતો બહોળા પ્રમાણમાં તેનો લાભ લે, એની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતું. સમીક્ષા બેઠકમાં હાજર તમામ CBBO, હેન્ડ હોલ્ડિંગ એજન્સીઓ, FPO એ પ્રમાણે કામગીરી કરી રહ્યા હોઇ, તેમજ ભવિષ્યના પડકારો, માંગ અને સપ્લાયને ધ્યાને રાખી, તંત્રની સાથે રહી આયોજનબદ્ધ કામગીરી કરશે, અને ખેડૂતોના ઉત્થાન અર્થે સહિયારા પ્રયાસો દ્વારા કામગીરી કરશે તેવી સહમતી સાધવામાં આવી હતી. બેઠક બાદ એમ.ડી. GAICL અને નિયામક GOPCA દ્વારા ઓફિસો તેમજ ફિલ્ડ (ખેતરો)ની સરપ્રાઈઝ વિઝીટ પણ, બે ટીમ બનાવી કરવામાં આવી હતી. જેમાં CBBO તેમજ હેન્ડ હોલ્ડિંગ એજન્સી ટ્રુ લાઈફ એન્ટરપ્રાઈઝની ઓફિસની વિઝીટ કરાઈ હતી.



જ્યાં ખેડૂતોના જૂથ સર્ટિફિકેશન અંગે થતી કામગીરીના દસ્તાવેજોની ચકાસણી કરી, માહિતી મેળવવામાં આવી હતી. ત્યાર બાદ એ દસ્તાવેજો ફિલ્ડ મુજબ છે કે કેમ, એની ખરાઈ અર્થે, ખેડૂતોના ખેતર પર પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો યોજના વિષે માહિતગાર છે, અને એમાં જોડાઈ યોજનાકીય માહિતી મેળવી ફાયદો મેળવી રહ્યા છે તેવું જોવા જાણવા મળ્યું હતું. અહીં પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો મુજબ અને NPOPના નિયમો અનુસાર કામગીરી થઇ રહી છે તેવું વર્તાયું હતું. દરમિયાન વિશેષ સુચનાઓ અને માર્ગદર્શન પણ સંસ્થાઓ અને સંલગ્ન વિભાગને અધ્યક્ષશ્રી દ્વારા અપાયા હતા.



આ બેઠકમાં ખાસ ફરજ પરના અધિકારી શ્રી અશ્વિનભાઈ પટેલ (GAICL), ડેપ્યુટી ડાયરેકટ-આત્મા વિભાગ શ્રી રિકેશભાઈ ભટ્ટ, કવોલિટી ઇન્સ્પેક્ટર શ્રી રવિભાઈ પ્રજાપતી, અને ઇવેલ્યુટરશ્રી ડૉ. વસીમ શૈખ (GOPCA), ડાંગના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજય ભગરીયા, ડાંગના મદદનીશ ખેતી નિયામક શ્રી હર્ષદ પટેલ, સહ મેન્ડેટર તેમજ નોડેલ ઓફિસર શ્રી માધવભાઈ જોષી (હેન્ડ હોલ્ડિંગ એજન્સી) તેમજ CBBO ટ્રુ લાઈફ એન્ટરપ્રાઈઝ, પ્રતિનિધિઓ, CBBO નીર હોલટીકલ્ચર અને અભ્યુદય લિમિટેડ, પ્રતિનિધિઓ, FPO વઘઈ, સુબીર, આહવા તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યૂસર કંપની લિમિટેડ, ગતિશીલ ડાંગ FPCL અને અન્ય સહ પદાઘીકારીગણો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન અને સમીક્ષાના આધારે જણાઈ રહ્યું છે કે ખેડૂતો, CBBO અને હેન્ડ હોલ્ડિંગ એજન્સી તેમજ સરકારશ્રીના સહિયારા પ્રયાસોથી, અહીં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે, અને ખેડૂતો ચોક્કસપણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી લાભ મેળવી રહ્યા છે. તથા યોજનાઓના સમન્વય દ્વારા જિલ્લાના મુખ્યત્વે નાના અને સીમાંત ખેડૂતો સુધી લાભ પહોંચી રહ્યો છે. આમ, ડાંગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ થકી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે. જે ડાંગના સ્વર્ણ ભવિષ્યની નિશાની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News