સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” દેશ વ્યાપી ઝુંબેશમાં તાપી જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. ગામના સ્થાનિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા તાપી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી કર્મચારીઓ દ્વારા અવનવી પ્રવૃતિના માધ્યમ દ્વારા લોકોને સ્વચ્છતાની શીખ આપવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં ગ્રામ પંચાયત ઉચ્છલમાં સખી મંડળની બહેનો દ્વારા નદી પાસે સામુહિક સાફ સફાઈ કરવામાં આવી અને આ કાર્ય થકી સ્થાનિકોને સ્વચ્છતા જાળવવા શિખ આપવામાં આવી હતી. આ સાથે તાજેતરમાં ઉચ્છલ તાલુકાના મોરંબા ગામે પ્રભાત ફેરી તેમજ સબ સેન્ટર અને આંગણવાડી કેન્દ્ર પાસે સખી મંડળની બહેનો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી.
નિઝર તાલુકાના જામલી ગામે સખી મંડળની બહેનો દ્વારા ધાર્મિક સ્થળોની સામુહિક સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળની બહેનો વિવિધ રોજગારલક્ષી કામગીરી કરી આત્મનિર્ભર બની છે. આવી આત્મનિર્ભર બહેનોએ પોતાના ગામમા સ્વચ્છતા સ્થાપિત કરવાનો નિર્ધાર કર્યો છે. ત્યારે વિવિધ પ્રવૃતિઓના માધ્યમ થકી બહેનો ગ્રામજનોને જાગૃત કરી રહી છે. સખી મંડળની બહેનો દ્વારા સરપંચશ્રી તથા ગામના આગેવાનો સાથે બેઠક યોજી સ્વચ્છતાલક્ષી માહિતી આપવી, હેન્ડવોશ ડેમોસ્ટ્રેશન અને સ્વચ્છતા રેલી, PHC CHC સેન્ટરની આજુબાજુ સામુહિક સાફસફાઈની કામગીરી, પીવાના પાણીના સ્ત્રોતોની આસપાસ સામુહિક સાફસફાઇ કરી ગામને સ્વચ્છ રાખવાનો સરાહનિય પ્રયાસ કરવામા આવે રહ્યો છે.
આ સાથે ખાસ કરીને મહિલાઓને સ્વચ્છતાલક્ષી માહિતી આપતા સખી મંડળની બહેનો દ્વારા જમ્યા પહેલાં અને જમ્યા પછી હેન્ડવોશ કરાવવા અંગે, ખોરાક બનાવતી અને અનાજ સાફ કરતી વખતે સ્વચ્છતા રાખવા અંગે, વાસણો સાફ રાખવા, બાળકોના રમકડાં ચોખ્ખા રાખવા વગેરે બાબતો અંગે આંગણવાડી કાર્યકરો સાથે ચર્ચા કરી જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ તમામ કાર્યક્રમોમાં ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં સામેલ થતા તાપી જિલ્લામાં સખી મંડળની બહેનોની સ્વચ્છતા લક્ષી કામગીરી સાર્થક બની રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500