ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ હજુ ગુરુવારે મતગણતરી બાદ જાહેર થશે, તે પછી નવી સરકાર-મંત્રીમંડળ રચાશે, જોકે સરકારના વહીવટી તંત્રએ અત્યારથી જ નવા મંત્રીઓ માટે પીએ-પીએસની નિમણૂકની કવાયત હાથ ધરી દીધી છે. સરકારની આટલી ઝડપ જોતાં નવી સરકારની શપથવિધિ પણ પરિણામના એક બે દિવસમાં જ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
સામાન્ય રીતે મંત્રીઓના પીએ-પીએસની પસંદગી મંત્રી પોતાની રીતે કરે અથવા પાર્ટીમાંથી નામ અપાવામાં આવે છે, પરંતુ શપથવિધિ બાદ તરત જ કામગીરી સંભાળતી વખતે વહીવટી કામમાં મદદરૂપ થવા સરકારના સામાન્ય વહીવટ વિભાગે હંગામી ધોરણે અધિકારીઓની નિમણૂક પીએ-પીએસ તરીકે કરી દેવાઇ હોવાનું સામે આવી રહ્યું છે.આ વખતે સામાન્ય વહીવટ વિભાગે આ પ્રકારે હંગામી નિમણૂકમાં નોંધપાત્ર ઝડપ દાખવી છે.
36 સેક્શન અધિકારીની પીએસ અને 36 નાયબ સેક્શન અધિકારીની પીએ માટે નિમણૂક કરી એક યાદી તૈયાર કરવામાં આવી છે, જેથી મંત્રીઓના શપથની સાથે જ તેમને પીએ-પીએસ પણ મળી જશે. આ નિમણૂક બે માસની અથવા મંત્રીઓ પોતાના નિયમિત સ્ટાફની નિમણૂક કરે ત્યાં સુધી બેમાંથી જે વહેલું હોય તેટલી મુદતની રહેશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
72 અધિકારીઓમાં હાલ પણ મંત્રીઓના પીએસની કામગીરી કરતા હોય તેવા 11 અધિકારીઓનો પણ સમાવેશ કરાયો છે. આ સિવાયના અન્ય અધિકારીઓના અનુભવ અને કામગીરીના આધારે પસંદગી કરવામાં આવી છે. મંત્રીઓના પીએ-પીએસ તરીકે હંગામી નિમણૂક પામેલા 72 અધિકારીઓની બેઠક સચિવાલય ખાતે ગુરુવારે સાંજે 4.30 કલાકે બોલાવવામાં આવી છે, જેમાં તેમને મંત્રીઓના કાર્યાલયની કામગીરી અંગે સમજણ આપવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500