દેશમાં આર્થિક પ્રગતિનાં વિકાસ માટે પ્રવાસન સ્થળોને વિકસાવવાની યોજનાઓ આજકાલ કારગત નીવડી રહી છે. આથી વિવિધ રાજ્યો પોત પોતાનાં વિસ્તારના પર્યટન સ્થળોને વિકસાવવા અનેકવિધ પ્રયાસો કરી રહ્યાં છે. જેથી મહારાષ્ટ્રમાં પણ આ બાબતે પર્યટન વિભાગ દ્વારા પ્રયાસો ચાલી રહ્યાં હોઈ ફેબ્રુઆરીમાં દેશ-વિદેશનાં પર્યટકોને મહારાષ્ટ્રમાં આવેલા શિવાજી મહારાજનાં તમામ ગઢકિલ્લાનાં દર્શન કરાવી ટુરિઝમ ક્ષેત્રનો વિકાસ સાધવાની યોજના ઘડાઈ રહી છે. મહારાષ્ટ્રમાં વિવિધ ગઢકિલ્લાઓ સહિત અનેક ઐતિહાસિક સ્થાપત્યો આવેલાં છે.
અહીં માત્ર કુદરતી આકર્ષણ જ નહીં તો મંદિરો અને વિવિધ ગામડાઓમાં પણ સાંસ્કૃતિક, ભૌગોલિક અને સ્થાપત્યમાં વિવિધતા જોવા મળે છે. ફેબ્રુઆરી મહિને શિવાજી મહારાજની જયંતિ આવી રહી હોવાથી તે નિમિત્તે શિવનેરી કિલ્લા સહિત રાજ્યનાં અન્ય ગઢ કિલ્લાની મુલાકાત દેશી-વિદેશી પર્યટકો, ટૂરઓપરેટર્સ વગેરેને કરાવાશે જેથી મહારાષ્ટ્રનાં પર્યટન ક્ષેત્ર બાબતની જાણકારી મહારાષ્ટ્ર બહારનાં લોકોને પણ થાય અને વધુમાં વધુ લોકો રાજ્યમાં આવે અને તેના દ્વારા રાજ્યમાં આર્થિક ગતિવિધિઓને પણ પ્રોત્સાહન મળશે એમ પર્યટન પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું.
તે ઉપરાંત મહારાષ્ટ્ર પર્યટન વિકાસ વિભાગનાં જણાવ્યાનુસાર, મુંબઈને રાયગઢ અને કોંકણનાં અન્ય વિસ્તારને જોડતાં દરિયા પરના બીજા સૌથી લાંબા બ્રિજનું કામ પણ થઈ રહ્યું હોઈ તે 2023 સુધીમાં શરૂ થવાની શક્યતા છે. વળી અમારી પાસે આગવું ફિલ્મ સિટી કોર્પોરેશન છે, જે સંબંધિત સેક્ટરનાં વિકાસ તરફ ધ્યાન આપે છે અને અમારી પાસે આરે કોલોનીમાં 500 એકરની જમીન છે, જેમાં ડોમેસ્ટિક અને ફોરેન પર્યટકો માટે અલગથી એક સ્ટૂડિયો બનાવવાના પણ પ્રયાસો થઈ રહ્યાં છે. આમ મહારાષ્ટ્રને હવે રાષ્ટ્રીય સ્તરે પર્યટન ક્ષેત્ર તરીકે વિકસાવવા પ્રયાસો થઈ રહ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500