Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી શહેરના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ, નદીઓમાં પૂર આવતા 2 લોકોએ જીવ ગુમાવ્યો

  • July 13, 2022 

રાજ્યના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી રહી છે.ત્યારે નવસારીમાં પણ છેલ્લા એક સપ્તાહથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નવસારી શહેરના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.દાબુ હોસ્પિટલની પાછળના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.જ્યારે અવિરત વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂર આવતા પાણી ઘરોમાં ઘુસ્યા છે.વર્ષોની સમસ્યાથી લોકોને દર વર્ષે અનેક નુકસાન થાય છે.લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં ઘરવખરી પલળી જતાં લોકોને ભારે નુકસાન થયું છે.


નવસારીમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. ધોધમાર વરસાદના કારણે નવસારી જળબંબાકાર થયું છે. નવસારીના રૂસ્તમવાડી વિસ્તારમાં પૂરના કારણે આશરે 73 વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. પંરતુ પાણી ભરાયેલા હોવાથી અંતિમયાત્રા નીકળી શકે તેમ ન હતી. આખરે નગરપાલિકા તંત્રની મદદથી અંતિમયાત્રા કાઢવામાં આવતા પૂરના પાણીમાં ગમગીન દ્રશ્યો સર્જાયા હતા. આ અંતિમ યાત્રામાં મુસ્લિમ સમાજના લોકોએ પણ કાંધ આપી હતી. પૂરની તારાજીમાં પણ કોમી એકલાસના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ પૂર્ણા નદીમાં પૂર આવવાથી લોખંડવાલા કોમ્પલેક્ષના બીજા માળેથી પાણીમાં પડેલા આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. તરતા ન આવડતું હોવાથી આધેડ પાણીમાં ડૂબી ગયા હતા. તેમનો મૃતદેહ સ્થાનિકો અને રેસ્ક્યૂની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો.


નવસારીના શાંતા દેવી રોડમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જેને કારણે પ્રસૂતાને એમ્બ્યુન્સ સુધી લારીમાં લઇ જવાની ફરજ પડી છે. રસ્તામાં પાણી ભરાયેલા હોવાથી એમ્બ્યુલન્સ પ્રસૂતાના ઘર સુધી પહોંચી શકી ન હતી. જેને કારણે પ્રસૂતાને લારીમાં બેસાડવી પડી હતી. ઉલ્લેખનીય છે કે, નવસારીના શાંતા દેવી રોડ વિસ્તારમાં રાત્રીના 3 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે.


નવસારીના ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને કારણે અંબિકા નદીમાં પૂર આવ્યું છે. જેને કારણે ગણદેવી તાલુકાનું ઘોલ ગામ સંપર્ક વિહોણું થયું છે. જેથી કેબિનેટ મંત્રી નરેશ પટેલે હોડીમાં બેસીને પૂર અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી છે. ઉલ્લેખનીય છે કે, અંબિકા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે. જેથી સેવાભાવી આગેવાનો અને વટીવટીતંત્રના કર્મીઓ ખડેપગે ઊભા છે. રાહત બચાવની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application