વાડિયા ગ્રૂપની એરલાઇન્સ GoFirst, જે દેશના સૌથી જૂના બિઝનેસ ગ્રૂપમાંથી એક છે, તેણે પોતાને નાદાર જાહેર કરી છે. વાડિયા ગ્રૂપની કંપનીએ મંગળવારે કહ્યું કે તે હવે તેની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ નથી, તેથી તે હવે પોતાને નાદાર જાહેર કરીને તેનુ સમાધાન ઇચ્છે છે. દેશની બીજી મોટી એરલાઈન્સ બંધ થવા પર સરકાર તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. ગો ફર્સ્ટની સ્થિતિ પર સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોવી જોઈએ. તે પોતાની રીતે કામ કરશે.
જ્યોતિરાદિત્ય સિંધિયાનું કહેવું છે કે GoFirst તેના વિમાનોના એન્જિનને લગતી સપ્લાય ચેઇન સંબંધિત મુદ્દાઓ પર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. સરકાર કંપનીને દરેક સંભવ મદદ કરી રહી છે. આ બાબતે અન્ય હિતધારકો સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે એરલાઈન્સની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. સરકારના ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે GoFirst એ NCLTનો સંપર્ક કર્યો છે. આપણે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોવી જોઈએ.
ગો ફર્સ્ટે આપ્યું નાદારીનું કારણ
ગો ફર્સ્ટે તેના નાદાર થવાનું કારણ આપતા અમેરિકાની 'પ્રેટ એન્ડ વ્હિટની' કંપનીના ખામીયુક્ત એન્જિનને જણાવ્યું છે. જેના કારણે કંપનીના અડધાથી વધુ એરક્રાફ્ટ હવે એર લાયક નથી. તેઓ જુદા જુદા એરપોર્ટ પર ઉભા રહીને ધૂળ ખાય રહ્યા છે.GoFirst ના CEO કૌશિક ખોનાએ જણાવ્યું હતું કે કંપનીએ સ્વૈચ્છિક રીતે નાદારી રીઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ને અરજી કરી છે. આ સમયે કંપની માટે તેનો ખર્ચ ઉઠાવવો પણ મુશ્કેલ બની ગયો છે.
તમામ GoFirst ફ્લાઇટ્સ સસ્પેન્ડ
કંપનીએ નાદારી જાહેર કરી તે પહેલા GoFirstએ 3 અને 4 મે માટે તેની તમામ ફ્લાઇટ સેવા સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તેના પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી તેમને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. કંપનીને આના કારણે મુસાફરોને પડી રહેલી અસુવિધા માટે લેવામાં આવેલા પગલા વિશે જણાકારી આપવા માટે કહ્યુ હતું. આ સાથે ડીજીસીએએ કંપનીને 5 મે, 2023થી ફ્લાઇટ ઓપરેટ કરવા માટે સંપૂર્ણ પ્લાન આપવા જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500