આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે તા.૯ ઓગસ્ટથી શરૂ થયેલા “મારી માટી, મારો દેશ” અભિયાન હેઠળ આજે સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં અકોટી ગામની પ્રાથમિક શાળા ખાતે “મારી માટી, મારો દેશ” અભિયાનનો કાર્યક્રમ સુરત જિલ્લા પ્રભારી સચિવ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન આર. બી. બારડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે, આપણા દેશની આઝાદી માટે અનેક નામી-અનામી વીરોએ પોતાના બલિદાનો આપ્યા હતા. આ તકે અકોટી ગામના સ્વાતંત્ર્ય સેનાની અને વલ્લભભાઈ પટેલને "સરદાર"નું બિરુદ આપનારા સ્વ.ભીખીબેનને યાદ કર્યા હતા.
આજની યુવાપેઢીએ આઝાદીના લડવૈયાઓ, સરહદના સૈનિકોએ આપેલા બલિદાનોને યાદ કરી તેમાંથી પ્રેરણા મેળવીને જિલ્લા, રાજય અને રાષ્ટ્રને અગ્રેસર બનાવવાનો અનુરોધ કર્યો હતો. ભારતના સમૃધ્ધ વારસા અને આઝાદીના ગૌરવનું સન્માન કરવાની હિમાયત તેમણે કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, “મારી માટી,મારો દેશ” અભિયાન દેશપ્રેમ વ્યક્ત કરવાનો અવસર છે. દેશ ભક્તિ અદા કરવાના અનેક અવસરો મળતા હોય છે, આ અવસરે દેશ માટે બલિદાન આપનારા વીર સપૂતોને યાદ કરીને શ્રધ્ધાંજલિ આપવાની હિમાયત કરી હતી.
આઝાદીના અમૃત મહોત્સવની ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ શરૂઆત થઈ હતી. આગામી ૩૦મી ઓગસ્ટના રોજ પૂર્ણાહુતિ થનાર છે ત્યારે દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીર જવાનો, આઝાદીના લડવૈયાઓને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પવા માટે “મારી માટી, મારો દેશ” અભિયાન વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સ્વતંત્ર્યસેનાનીના જીવનયાત્રામાંથી પ્રેરણા લઇ દેશને નવી ઉંચાઈઓ સુધી લઈ જવાનો અનુરોધ કર્યો હતો. આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા માટે સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે પૂણાહૂતિના અવસરે “મારી માટી,મારો દેશ” અભિયાન સમગ્ર ભારતમાં ચાલી રહ્યું છે.
દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત કરવા અને આઝાદીના જંગના વીર શહીદોને અંજલિ આપવાનો અવસર છે. સુરત જિલ્લાની ૫૬૬ ગ્રામપંચાયત અને ૬૯૨ ગામોની માટીને કળશમાં એકત્ર કરીને આગામી દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં લઈ જવામાં આવશે. આ અવસરે પ્રભારી સચિવશ્રીનું શાળાની બાળાઓએ કુમકુમ તિલક કરી કળશ સાથે સ્વાગત કર્યું હતું. આ અવસરે અકોટી ગામની પ્રાથમિક શાળા ખાતે મહાનુભાવોના હસ્તે શિલાફલકમનું સમર્પણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન હેઠળ વૃક્ષારોપણ, શહીદ સ્મૃતિ વંદના કરવામાં આવી હતી. અંતે ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન કરાયુ હતું. અંતે યોજાયેલી ગ્રામસભામાં વિષયોનું વાંચન કરીને માહિતી આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500