રાષ્ટ્રીય પાટનગરમાં સતત પાંચમાં દિવસે પણ ઠંડીનો પ્રકોપ ચાલુ રહ્યો છે. સફદરગંજમાં 3.8 સેલ્સિયસ અને આયાનગરમાં 3.2 ઉષ્ણતામાન સોમવારે સવારે નોંધાયું છે સાથે પાટનગર પર ગાઢ ધુમ્મસ છવાઈ રહેતાં દ્રષ્ટિ મર્યાદા સફદરગંજમાં 25 મીટર જેટલી જ રહી છે. પાલમ વિમાન મથકે તે 50 મી. રહી છે. આથી કેટલીયે વિમાન સેવાઓ બંધ રાખવી પડી છે. દિલ્હી આવતાં વિમાનો પૈકી ઘણાંને જયપુર તરફ વાળવામાં આવ્યાં છે. ટ્રેનો પણ 2 થી 3 કલાક મોડી પડી છે. હવામાન ખાતાનાં જણાવ્યા પ્રમાણે, લઘુતમ ઉષ્ણતામાન 4 સેલ્સિયસ કે 4.5 ડીગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જાય ત્યારે કોલ્ડ વેવ જાહેર કરવામાં આવે છે.
દિલ્હીમાં 5મી જાન્યુઆરીથી ઠંડીનો સપાટો શરૂ થઈ ગયો છે ત્યારે 3 ડીગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન નોંધાયું હતું. જે શુક્રવારે 4 સે. શનિવારે 2.2 સેલ્સિયસ અને રવિવારે 1.9 સેલ્સિયસ જેટલું નીચું ગયું હતું. પાટનગરમાં તો કોલ્ડ વેવ સાથે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું છે. પવનો પડી જતાં ત્યાં એર કવોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) સીવીયર કેટેગરીમાં મુકાઇ ગયું છે. તે સ્ટેજ-3માં મુકવું પડે તેમ જ હતું. કારણ કે એન.સી.આર. (નેશનલ કેપિટલ રીજીયન)માં તે 400નાં આંક સુધી પહોંચી ગયું હતું. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, સોમવારે રાત્રીના 1 વાગ્યાથી એરપોર્ટ ઉપર ધુમ્મસ છવાવવાનું ચાલુ થઈ ગયું હતું અને સવારના સાડા નવ સુધી ઇન્દીરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે એટલું ધુમ્મસ છવાઈ રહ્યું હતું કે 200 મીટર સુધીની જ દ્રષ્ટિ મર્યાદા રહી હતી.
સવારે 7.30 સુધી તો રનવે ઉપર દ્રષ્ટિ મર્યાદા 100 થી 125 મીટર જેટલી જ રહી હતી. આથી કેટેગરી 3એ અને કેટેગરી-3બીની પ્રોસીજર અમલી કરી વિમાન સેવાઓ જયપુર કે અન્ય સ્થળોએ વાળવી પડી હતી. વાસ્તવમાં વિઝીબીલીટી (દ્રષ્ટિ મર્યાદા) 800 મીટર (આશરે 2500 ફીટ) જેટલી હોય તો જ વિમાન ઉતારવામાં પાયલોટને સરળતા રહે. તેથી જરા પણ ઓછી વિઝીબીલીટી જોખમી બની રહે છે તે ભૂલવું ન જોઈએ. આ કારણે જ દિલ્હીમાં ઉતરનારા વીમાનો, જયપુર કે અન્ય વિમાનગૃહોએ ઉતારવા પડયાં હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500