અમદાવાદનાં સાણંદ અને શાંતિપુરા સર્કલ નજીક બે ગેરેજમાંથી કાર ચોરીનાં બનાવો બન્યા છે. બંને ગેરેજમાંથી એક I-20 અને બે BMW કારની ચોરી થતાં સરખેજ પોલીસે ગુનો નોંધી CCTVનાં આધારે તપાસ હાથ ધરી હતી. બંને ઘટનામાં એક જ ગેંગ હોવાની શંકાના આધારે સરખેજ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરખેજમાં રહેતા જીત વર્મા એક કંપનીમાં ચીફ માર્કેટિંગ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
તેઓએ 2023માં હરિયાણા ખાતેથી અવાન્ટેડ કલેક્શન પ્રા.લિ.કંપની પાસેથી ઓએલએક્સ ડીલર મારફતે એક BMW કાર ખરીદી હતી. આ કાર તેમણે હજુ પોતાના નામે કરાવી ન હતી. જોકે તારીખ 23મીએ આ કાર શાંતિપુરા સર્કલ પાસેના ધ ગેરેજ ટેક ખાતે રિપેરિંગમાં આપી હતી. તેવામાં તારીખ 27મીએ ગેરેજવાળા અશરફખાન રંગરેઝે ફોન કરીને કોઇ શખ્સો ગેરેજનું તાળું તોડીને BMW કાર ચોરી ગયા હોવાનું જણાવ્યું હતું. ગેરેજમાં જઇને તપાસ કરતા કેટલાક શખ્સો BMW કારની ચોરી કરતા CCTVમાં દેખાયા હતા.
આ મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જયારે સરખેજ ગામમાં રહેતા જૈનિકભાઇ દેસાઇએ તેમની I-20 કાર સાણંદ સર્કલ નજીક કુલ ઝોન નામના ગેરેજમાં રિપેરિંગ માટે આપી હતી. આ ગેરેજમાં સરફરાઝહુસેન અંસારીની બીએમડબ્લ્યુ કાર પણ રિપેરિંગ માટે આવી હતી. તસ્કરો આ ગેરેજમાં ઘૂસીને વહેલી સવારે બંને કાર ચોરી પલાયન થઇ ગયા હતા. આશરે સાત લાખની મતાની બે કારની ચોરી થતાં સરખેજ પોલીસે CCTV આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500