‘નૈતિકતા અને પ્રમાણિક્તા જેવું કંઈ રહ્યું નથી’ તેવી ટિપ્પણીઓને ખોટો પાડતો કિસ્સો અમદાવાદ એરપૉર્ટમાં જોવા મળ્યો છે. અમદાવાદ એરપૉર્ટના સફાઈકર્મીની સતર્કતા-પ્રમાણિક્તાથી 750 ગ્રામ સોનું મળ્યું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ખાતે દિનેશ ગરવા નામનો સફાઈકર્મી રાબેતા મુજબ તેની સફાઈની ડ્યુટીમાં વ્યસ્ત હતો. પુરુષોના શૌચાલયમાં સફાઈ કરતી વખતે તેનું ધ્યાન ડસ્ટબિનમાં પડેલા એક શંકાસ્પદ પેકેટ પર પડ્યું. આ પેકેટ ખાલી હોવા છતાં વજનદાર લાગતું હતું. જેના કારણે આ પેકેટમાં કંઈક તો ગરબડ છે તેવી તેની માન્યતા દૃઢ બની.
તેણે શંકાના સમાધાન માટે આ પેકેટ ખોલવાનો નિર્ણય લીધો. આ પેકેટ ખોલતાં જ તેની અંદર સિફતપૂર્વક પેક કરેલા સીલબદ્ધ બીજા પેકેટ્સ મળી આવ્યા હતા. દિનેશ ગરવાએ તાકીદે પોતાના સુપવાઇઝર અને કસ્ટમ અધિકારીઓને બોલાવી લીધા. કસ્ટમ અધિકારીઓએ પેકેટની ચકાસણી કરતાં તેમાંથી 750 ગ્રામની શુદ્ધ ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી. મળી આવેલા આ સોનાની કિંમત અંદાજે રૂપિયા 55 લાખ છે. દિનેશ ગરવાએ આ અંગે જણાવ્યું કે, ‘મેં માત્ર મારી ફરજ નિભાવી છે. કચરાટોપલી વધારે પડતી વજનદાર લાગતા મને શંકા થઈ હતી.
અમદાવાદ એરપૉર્ટના શૌચાલયની કચરાટોપલીમાં 750 ગ્રામ સોનું કોણે છુપાવ્યું અને તે કોને પહોંચાડવાનું હતું તેમજ તેમાં કોની-કોની સંડોવણી હોઈ શકે છે, તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કચરાટોપલીમાં છુપાવેલું સોનું જેને પહોંચાડવાનું હતું તેના હાથમાં પહોંચે તે અગાઉ જ સફાઈકર્મીની સતર્કતાથી કસ્ટમ ડિપાર્ટમેન્ટને મળી ગયું છે. આ ઘટના બાદ દાણચોરો સોનું છુપાવી શકે તેવી દરેક જગ્યા પર વોચ વધારી દેવાઈ છે.
દાણચોરીનું સોનું લાવવા માટે કેરિયર્સની મદદ લેવામાં આવે છે. આ કેરિયર્સ દુબઈ, યુએઈ, બેંગકોક, થાઇલેન્ડથી મોટાભાગે સોનું લાવતા હોય છે. કેરિયર્સને સોનું લાવવા માટે આવવા-જવાની ટીકિટ, રહેવા-જમવા સહિતની સુવિધા તેમજ અલગથી કમિશન આપવામાં આવે છે. તેઓ ધૂંટણની પાછળ, લગેજમાં સીલ કરીને, અંડરગાર્મેન્ટ્સ-સેનિટરી નેપકિન તેમજ ગુપ્તભાગમાં છુપાવીને સોનું લાવતા હોય છે. ઘણી વખત કસ્ટમ્સની વોચ વધારે હોય તો તેઓ ઍરપૉર્ટના શૌચાલયમાં જ સોનું છુપાવી દે છે, આ જગ્યામાંથી તેમના મળતિયા સોનું લઈ લે છે. સ્મગલરો સોનું લાવવાની મોડસ ઓપરેન્ડીમાં સતત ફેરફાર કરતાં રહે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500