સુરત જિલ્લામાં સેંકડો ખેડુતો રાસાયણિક ખેતીનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, ત્યારે બારડોલી તાલુકાના તરસાડી ઉકા તરસાડીયા યુનિવર્સિટી-તરસાડીમાં અભ્યાસ કરતા બીએસસી (એગ્રીકલ્ચર)ના ૩૨ વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરોએ છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા મહુવા તાલુકાના વડીયા ગામના પ્રકાશભાઈ પટેલની વાડીની મુલાકાત લીધી હતી, અને પ્રાકૃતિક ખેતીના પાઠ શીખ્યા હતા. પ્રકાશભાઈએ સૌને એક કલાક દરમિયાન ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને સ્વસ્થ અને આરોગ્યપ્રદ આહાર મેળવી શકાય છે તે અંગે થિયરીકલ અને પ્રેક્ટીકલ જ્ઞાન પીરસ્યું હતું.
તેમણે જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને સજીવોના સહજીવન વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ દરમિયાન અનુભવો રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓ આાગામી સમયમાં કૃષિ ક્ષેત્રે નવીનત્તમ પ્રયોગો કરીને રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી બને તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. વિદ્યાર્થીઓએ સામૂહિક પ્રતિભાવ આપતા કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય અને પ્રકૃતિની રક્ષા માટે પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ ઉપાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ખતરનાક રસાયણોથી મુક્ત ખેતી અને દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકી તે માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે. તેવી જ રીતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ધરતી માતાને ઝેર આપવાનું બંધ કરી રાજ્યના ખેડૂતો પાસે કુદરતી ખેતી કરાવવાના સંકલ્પ સાથે એક અભિયાન છેડ્યું છે. રાજ્યમાં ઝીરો બજેટ ફાર્મિંગ પર ભાર મૂકી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે અમે યુવાનો પણ પ્રાકૃત્તિક ખેતીના ફાયદાઓથી પ્રભાવિત થયા છીએ, અને ઝેરમુક્ત ખેતીના પ્રસાર માટે યોગદાન આપીશું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500