Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઇ-બેંગ્લોર હાઇવે પર આંદોલનકારીઓ સૂત્રો પોકારતા ધસી આવી ટાયરો સળગાવીને વાહનોની અવરજવર થંભાવી

  • November 01, 2023 

મરાઠા આરક્ષણની માંગણી સાથે છેડાયેલા આંદોલન વધુ વકર્યું હતું અને અનેક ઠેકાણે આગજની અને પથ્થરમારાના બનાવો બન્યા હતા. મુંબઇ-બેંગ્લોર હાઇવે ઉપર પુણે પાસે આંદોલનકારીઓએ બપોરે સળગતા ટાયરો ફેંકીને બંને તરફનો ટ્રાફિક ખોરવી નાખ્યો હતો અને વાહનોની કેટલાય કિલોમીટર લાંબી લાઇનો લાગી ગઇ હતી. આ ઉપરાંત આંદોલનકારીઓએ મુંબઈ નજીકના બદલાપૂર ઉપરાંત સોલાપુરમાં ટ્રેન અટકાવવા પ્રયાસ કર્યો હતો. આંદોલનનું કેન્દ્ર બનેલા બીડમાં પરિસ્થિતિ સુધરી હોવાનો દાવો સરકારી તંત્ર કરી રહ્યું છે પરંતુ ત્યાં કરફ્યૂ અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત છે. બીજી તરફ ધારાશિવ જિલ્લામાં પણ કેટલાય વિસ્તારોમાં કર્ફ્યું લાદવો પડયો છે. મુંબઇ-બેંગ્લોર હાઇવે પર પુણેના નવલે બ્રિજ ઉપર આંદોલનકારીઓ સૂત્રો પોકારતા ધસી ગયા હતા અને ટાયરો સળગાવીને વાહનોની અવરજવર થંભાવી દીધી હતી.



તરત જ પોલીસ ટીમ પહોંચી ગઇ હતી અને આંદોલનકારીઓને દૂર હટાવી રસ્તો ક્લિયર કર્યા પછી ધીમે ધીમે મુંબઇ અને બેંગ્લોર વચ્ચેનો વાહન-વ્યવહાર પૂર્વવત થયો હતો. જાલના જિલ્લાના ઘનસાવંગી ગામે આરક્ષણ સમર્થક કાર્યકરોએ પંચાયત સમિતિની ઓફિસ ઉપર હલ્લો કર્યો હતો અને ભારે ભાંગફોડ કરી હતી. ત્યાર પછી બહાર આવીને પંચાયત સમિતિની ઇમારતને આગ ચાંપી હતી. પોલીસ અને ફાયર- બ્રિગેડવાળા પહોંચી ગયા હતા અને આગ બુઝાવી હતી. ભાંગફોડને લીધે ભારે નુકસાન થયું હતું એટલું જ નહીં આગમાં પંચાયતના મહત્વના દસ્તાવેજો અને કામના કાગળો બળી ગયા હતા. જાલના જિલ્લામાં જ મરાઠા સમાજવાળા બદનાપુર તહેસીલમાં રેલવે ટ્રેક ઉપર બેસી ગયા હતા અને રેલ-રોકો આંદોલનનો પ્રયાસ કર્યો હતો. જો કે રેલવે પ્રોટેક્શન ફોર્સે તેમની સાથે સમજાવટથી કામ લઇ પાટા પરથી ખસેડયા હતા.



દરમિયાન બીડ જિલ્લામાં ગઇ કાલે એસ.ટી.ની બસોની તોડફોડ, આગજની અને પથ્થરમારો કરવા બદલ 49 આંદોલનકારીઓની ધરપકડ કરી હતી. બીડ જિલ્લામાં કર્ફ્યું લાદવામાં આવ્યા બાદ પરિસ્થિતિ કાબૂમાં છે એવો પોલીસે દાવો કર્યો હતો. બિડ જિલ્લાના માજલગાંવમાં એનસીપીના વિધાનસભ્ય પ્રકાશ સોલંકેના બંગલાને આગ ચાંપવામાં આવી હતી. ત્યારબાદ આંદોલનકારીઓએ માજલગાંવ મ્યુનિસિપલ કાઉન્સિલની ઓફિસમાં ભાંગફોડ કર્યા બાદ આગ લગાડી દીધી હતી. ઉપરાંત એનસીપી એમએલએ સંદીપ ક્ષીરસાગર અને ભૂતપૂર્વ પ્રધાન જયદત્ત ક્ષીરસાગરના ઘર પણ સળગાવ્યા હતા. આ કાર્યકરોનું ટોળું એનસીપીના નેતા અમરસિંહ પંડિતના નિવાસસ્થાનને નિશાન બનાવવા પહોંચ્યું ત્યારે પોલીસે ટીયર-ગેસ છોડીને તેમને ભગાડી મૂક્યા હતા.



છત્રપતિ સંભાજી નગર (ઔરંગાબાદ)માં ભાજપના વિધાનસભ્ય પ્રકાશ બામ્બની ઓફિસ પર હલ્લો કરી તોડફોડ કરવા બદલ પોલીસે કેટલાય આંદોલનકારીઓ સામે ઇન્ડિયન પિનલ કોડની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આમાંથી સાત ઓળખાયા છે અને દસથી પંદર વણઓળખાયેલા છે. આ બધાની સામે ગુનાહિત ઇરાદે કાવતરુ રચવાનો, ઇજા પહોંચાડવાના આશયથી ઘરમાં ઘૂસણખોરી, તોફાન મચાવી નુકસાન કરવાનો, ગેરકાયદેસર ભેગા થઇને હુમલો કરવાના આરોપસર એફઆઇઆર નોંધવામાં આવ્યો છે. મરાઠા આરક્ષણ આંદોલનની અસર પાડોશી કર્ણાટકને પણ થઇ છે. મહારાષ્ટ્રના ઓમેરગામાં આંદોલનકારીઓએ કર્ણાટક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સળગાવી દીધા બાદ કર્ણાટકે જ્યાં સુધી શાંતિ ન સ્થપાય ત્યાં સુધી મહારાષ્ટ્ર માટેની બસસેવા બંધ કરી દીધી છે.



કર્ણાટક એસટીની બસ બીદરથી પુણે જતી હતી ત્યારે ઓમરેગા ગામે આંદોલનકારીઓએ બસને આંતરી હતી અને બધા જ પ્રવાસીઓને નીચે ઉતાર્યા બાદ બસ સળગાવી દીધી હતી. એટલે આંતરરાજ્ય બસ-સેવા સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મરાઠા આરક્ષણની માગણીના ટેકામાં મરાઠા ક્રાંતિ મોર્ચાના કાર્યકરોએ આજે સોલાપુરમાં રેલ-રોકો આંદોલન કર્યું હતું. હાથમાં ભગવા ઝંડા સાથે કાર્યકરો ટ્રેક રોકીને બેસી ગયા હતા. જ્યારે સોલાપુરના રસ્તા પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા. પોલીસે બે આંદોલનકારીઓની અટકાયત કરી હતી. અને અન્ય આંદોલનકારીઓને પાટા પરથી હાંકી કાઢયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application