ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગોમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવા 31 ઓગસ્ટ 2023નાં રોજ આદેશ કર્યો હતો. મ્યુનિ.ના તમામ વિભાગમાં અંગ્રેજી અને હિન્દી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ હવે ફરજિયાત બનાવાયો છે. હાઈકોર્ટના આદેશ છતાં મ્યુનિ.તંત્ર તરફથી બહાર પાડવામા આવતા ટેન્ડર પૈકી મોટાભાગના ટેન્ડર અંગ્રેજી ભાષામાં મ્યુનિ.વેબસાઈટ ઉપર મુકવામા આવે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગોમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવા આદેશ આપ્યા બાદ મ્યુનિ.નાં તમામ વિભાગ સહિત ઝોન કચેરીઓના બોર્ડ, નામ, સુચના તથા વિવિધ પ્રકારની માહિતી સહિતના તમામ પ્રકારના લખાણોમાં અંગ્રેજી અને હિન્દી ભાષાની સાથે ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવા સીટી ઈજનેરે પરિપત્ર કર્યો છે. ગુજરાતી રાજભાષા હોવાછતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને વિભાગોમાં અંગ્રેજી ભાષાનો બહોળો ઉપયોગ કરવામા આવી રહયો છે.અગાઉ મ્યુનિસિપલ કમિશનરના સીધા નિયંત્રણ હેઠળ કામ કરતી સેન્ટ્રલ ઓફિસ દ્વારા 4 માર્ચ 2022 તથા 19 ફેબ્રુઆરી 2023નાં રોજ ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવા કરેલા પરિપત્રની જોઈએ તેવી અસર મ્યુનિ. વિભાગોમાં જોવા મળી નથી. ખાનગી તેમજ સાર્વજનિક સ્થળો જેવા કે થિયેટર, મોલ, બેન્કવેટહોલ, હોસ્પિટલ ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ, બેન્ક, લાયબ્રેરી તથા બગીચા માટે પણ ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવા અગાઉ આ પ્રકારની સુચનાઓ અપાયેલી જ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500