ચીખલીમાં શાળા સંચાલકો, વાહન ચાલકો-માલિકો સાથેની બેઠકમાં પોલીસની ઉપસ્થિતિમાં આરટીઓ દ્વારા ફરજિયાત ટેક્ષી પાસિંગ અને પાસિંગની સંખ્યા મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડવાની સૂચના અપાતા આવનાર દિવસોમાં વાલીઓને આર્થિક ભારણ વધવાના એંધાણ વર્તાય રહ્યા છે. ત્યારે વાહન ચાલકો હડતાળનું શસ્ત્ર ઉગામે તો નવાઈ નહી. હડતાળ અંગે એક-બે દિવસમાં મિટિંગ બાદ આખરી નિર્ણય જાહેર થનાર હોવાનું જાણવા મળ્યું હતું.
ચીખલીની શાળામાં આરટીઓ અધિકારી બી.એમ.ચૌહાણ, ચીખલી પીએસઆઇ-એચ.એસ.પટેલ, એસ.વી.પટેલ સહિતનાઓ દ્વારા શાળા સંચાલકો અને વાહન ચાલકો માલિકો સાથેની યોજાયેલી બેઠકમાં શાળામાં ફરતા ઇકો, રીક્ષા, બસ સહિતના વાહનો ફરજિયાત ટેક્ષી પાસિંગની સંખ્યા મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડવાની સૂચના આપવામાં આવી હતી. અને આગામી દિવસોમાં જિલ્લા પોલીસ વડાની નિગરાણીમાં શાળામાં, રસ્તામાં ચેકીંગ હાથ ધરી દંડનીય કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરોક્ત સ્થિતિમાં વાહનોમાં પાસિંગની સંખ્યા મુજબ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવશે તેવામાં ભાડાની રકમ વધી જતાં વાલીઓને આર્થિક ભારણ વધશે.
બીજી તરફ વાલીઓને પોતાનો ધંધો-રોજગાર બગાડી જાતે પોતાના બાળકોને મુકવા જવાનું પણ મુશ્કેલ બનશે. જોકે બીજી તરફ ચીખલી તથા આસપાસના ગામોમાં આવેલી ખાનગી શાળાઓમાં ઇકો, વાન સહિતના અંદાજે 300ની આસપાસ વાહનો ફરે છે. તે વાહનોના ચાલકો માલિકો હડતાળનું શસ્ત્ર ઉગમવાના મૂડમાં હોવાનું જાણવા મળ્યું હતું અને કેટલીક શાળાઓ કે છેલ્લા એકાદ અઠવાડિયાથી ચાલુ થઈ ગયેલી છે. તેમાં મંગળવારથી જ વાહનો નહીં ફેરવવા માટે શાળા સંચાલકોને જાણ કરી દીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
જોકે મંગળવારના રોજ શાળા સંચાલકો અને વાહનવાળાઓને આરટીઓ કચેરીનું તેંડુ હોય તે બાદ વાહન ચાલકો-માલિકો બેઠક યોજી હડતાળ અંગે ચોક્કસ નિર્ણય જાહેર કરશે તેવી હકીકત પણ જાણવા મળી હતી. ચીખલી તાલુકામાં જિલ્લા પંચાયત સંચાલિત સરકારી શાળાઓમાં જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે છે. તેમાં પણ ફરજિયાત ટેક્ષી પાસિંગ વાહનોનું ફરમાન કરાતા ગ્રામ્ય વિસ્તારના બાળકો સરકારની આ સુવિધાથી વંચિત રહેશે તેમ લાગી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500