નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલી નર્મદા મૈયાની ઉત્તરવાહિની પંચકોશીય પરિક્રમા અર્થે સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. જૂદા જૂદા વિસ્તારોમાંથી આવતા તમામ શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાભાવ સાથે નદીમાં સ્નાન કરી પરિક્રમા પૂર્ણ કરી શકે તેવા ઉમદા ભાવ સાથે જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ ચાલીને નર્મદા નદી પાર કરી શકે તેવા ભાવ સાથે જિલ્લા સંગઠન અને સ્થાનિક આગેવાનો દ્વારા હંગામી ધોરણે કાચો બ્રિજ બનાવવા માટે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરતા જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્યની સંવેદનશીલ સરકારશ્રીએ હકારાત્મક પ્રતિસાદ આપતા નદી ઉપર સ્વખર્ચે હંગામી બ્રિજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
ત્યારબાદ સ્થાનિકોએ કાચા પુલનું નિર્માણ કરતા તેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી ચકાસણી કરી તેના પરથી નક્કી કરાયેલી સંખ્યામાં તબક્કાવાર પુલ પરથી શ્રદ્ધાળુઓ પસાર થઈ શકે તેવી રીતે મંજૂરી આપતા પંશકોષી પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીઓનો પુલ નિર્માણ થતા સુખદ અંત આવ્યો છે. પુલ શરૂ થવાના કારણે શ્રદ્ધાળુઓ સરળતાથી નર્મદા નદી પાર કરી પરિક્રમા પથ ઉપર આગળ વધી લાભ લઈ રહ્યાં છે સાથે સરકાર પ્રત્યે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે. નર્મદા જિલ્લામાં ચૈત્ર માસમાં એક મહિના સુધી ચાલતી ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન ખાસ કરીને જાહેર રજાઓ, રવિવાર તેમજ તહેવારના દિવસોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પરિક્રમા અર્થે આવતા હોય છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર હંમેશાં ખડેપગે રહી પરિક્રમાવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સતત કાળજી લઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
રજાના દિવસોમાં આવતા વધુ શ્રદ્ધાળુઓને પહોંચી વળવા હોડીઓ તેમજ કાચા પુલની જરૂરિયાતને ધ્યાને લઈ કાચો પુલ બનાવી તેને હવે શરૂ કરી દેવાતાં અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કોઈ તકલીફ નહીં પડે. સાથે હાડીની પણ પુરતી વ્યવસ્થા શહેરાવ અને રેંગણ ઘાટ ખાતે કરવામાં આવી છે. તેનાથી જિલ્લાની જનતા અને ભાવિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્રિજનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે પૂર્ણ થતાં ગઈકાલે માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર એચ.એસ.મોદી, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેરશ્રીની ટીમ, નાયબ પોલીસ અધિક્ષક (હેડક્વાટર) પી.આર.પટેલ, કરજણ પ્રોજેક્ટ સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેરની ટીમ સહિત અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં હંગામી બ્રિજની નક્કી કરવામાં આવેલી જરૂરી શરતો અને બેરિકેટિંગની કાર્યવાહી કરી, નદીમાં પાણીનો પ્રવાહ અને તેની માત્રા સહિતની બાબતોનું નિરિક્ષણ- મોનિટરિંગ કરતા તે યોગ્ય જણાઈ આવતા આ બ્રિજ પરથી શ્રદ્ધાળુઓની અવર-જવર માટે ૨૫-૨૫ના ગૃપમાં તબક્કાવાર હારબંધ પોલીસ જવાનોની સલામતી સાથે પસાર થવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ પૈકી વડોદરાથી આવેલા કૌશિક જોશીએ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગયા વર્ષે એક દિવસની પરિક્રમા કરી હતી તે પછી નર્મદા મૈયાની પ્રેરણાથી એવું લાગ્યું કે હું એક મહિનો રોકાઈને રોજ પરિક્રમા કરૂં. આ વખતે આશ્રમમાં રોકાઈને રામપુરા ગામથી પહેલા દિવસથી જ પરિક્રમાની શરૂઆત કરી અને રોજ નિયમિત પરિક્રમા કરૂં છું. પહેલો રવિવાર હતો ત્યારે જોયું હતું કે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમા અર્થે આવ્યાં હતાં, જેના કારણે કેટલીક મુશ્કેલીઓ સર્જાઈ હતી. તેને જોતાં સ્થાનિક પ્રશાસન અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે શ્રદ્ધાળુઓની સુવિધા માટે નાવડીઓ સિવાય અલગ વ્યવસ્થા ઊભી કરવાનું વિચાર્યું અને જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.ગાંધીએ રૂબરૂ વહીવટી તંત્રની ટીમ સાથે મુલાકાત લીધી હતી.
તેના થકી આ હંગામી ધોરણે પુલના નિર્માણની વિચારણા ફળીભૂત થઈ છે. પરિક્રમા અર્થે આવતા ભાવિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સ્થાનિક પ્રશાસને જે નિર્ણય કર્યો અને આજુબાજુના આગેવાનો, સ્થાનિકો, પોલીસ, આશ્રમના સાધુ સંતોના સહયોગથી આ કાર્ય પાર પડ્યું છે. હવે પૂલ તૈયાર થતાં તેના પરથી લોકો પસાર થઈને આ કાંઠેથી પેલે કાંઠે સરળતાથી જઈ શકે છે. આ બ્રિજને નર્મદા સેતુ અથવા પરિક્રમા સેતુ એવું નામ આપીએ તો કંઈ ખોટું નથી. હવે પછી રજાના દિવસોમાં ગમે તેટલા ભાવિકો આવે તો પણ તેમને કોઈ તકલીફનો સામનો નહીં કરવો પડે. ભાવિકો સરળતાથી પરિક્રમા કરી શકશે. આ સુવિધા ઉભી કરાવવા બદલ સરકારનો અને સ્થાનિક પ્રશાસનને બિરદાવી અભિનંદન પાઠવું છું. ભરૂચથી આવેલા પરિક્રમાવાસી એમ.એમ. પટેલે જણાવ્યું કે, અમે પરિવાર અને મિત્રો સાથે ઘણા વર્ષોથી ઉતરવાહિની પરિક્રમા કરીએ છીએ.
અગાઉ નર્મદા નદીને પાર કરવા નાવડીનો ઉપયોગ કરવા પડતો હતો. મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી તડકામાં રાહ જોવી પડતી હતી. પરંતુ હવે સ્થાનિક વહીવટી તંત્રએ આગેવાનોના સહયોગથી જે કાર્ય કર્યું છે અને ભાવિકો માટે છાંયડો-હંગામી પુલની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેનાથી સર્વ ભાવિકો સરળતા પૂર્વક નદી પાર કરી શકે છે. જે ખરેખર સુંદર કાર્ય કર્યું છે અને તે અભિનંદનને પાત્ર છે. માત્ર ગુજરાત જ નહીં પણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યના ભાવિકો આ પરિક્રમામાં જોડાઈ રહ્યા છે. હવે યાત્રા તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો આવે તો પણ તકલીફ ન પડે તે માટે કરાયેલી સુવિધા ખરેખર સારી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
નર્મદા પુત્રના નામથી જાણીતા સાંવરીયા મહારાજે અપાર ખુશી વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સાચા ઉમિયા પુત્ર તરીકે ઓળખાવી જણાવ્યું કે, સાત કલ્પમાં આ પહેલો પ્રસંગ છે કે જે આપણે આબેહૂબ આ દ્રશ્ય જોઈ શકીએ છીએ. ખરેખર આને સેતુબંધ તો ન કહી શકાય પણ નર્મદા સંવેદના બંધ કહીએ તો કોઈ ખોટું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કાર્ય કરીને ગુજરાતની જનતાના દિલમાં આગવું સ્થાન મેળવી નામ રોશન કર્યું છે. હું તેમને લાખ-લાખ અભિનંદન સાથે વંદન કરું છું. વડોદરાથી નર્મદા પરિક્રમા અર્થે આવેલા વધુ એક ભાવિક જતીનભાઈ સુથારે આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ પ્રતિક્રિયા આપતા વહીવટી તંત્રનો આભાર માતના કહ્યું કે, હું પહેલી વખત અહીં આવ્યો છું.
અગાઉ મેં સાંભળ્યું હતું અને સમાચારો પણ વાંચ્યા હતા કે હજારોની સંખ્યામાં ભાવિકો હોવાથી સુગમતા રહેતી નથી. પરંતુ આ બ્રિજ બનવાથી બહુ સારી સુગમતા મળે છે આ બ્રિજના કારણે યાત્રાળુઓ માટે સારી સગવડ બની છે. આજે મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. પછી મને આ બ્રિજ પરથી પસાર થવાનો પહેલા લાભ મળ્યો છે. તે મોરી જાતને ધન્યતા અનુભવું છું સાથે સરકારશ્રીએ આ સારું સમયસર પગલું ભર્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ ખડેપગે કામગીરી કરી માનવતાની મહેંક પ્રસરાવી રહ્યું છે અહીં પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને અમારી આંખો સામે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સતત સંકલન સાધી રાઉન્ડ-ધી-ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે.
શહેરાવ અને રેંગણ ઘાટ ખાતે તેમજ શ્રી રામજી મંદિર ખાતે આરોગ્ય વિભાગની ટીમ ફરજ બજાવી ભાવિકો માટે મદદરૂપ બની રહી છે. સાથે સાથે સેવાભાવિ લોકો ચા, નાસ્તો, ભોજન, ફૂડપેકેટ, લીંબુ શરબત, છાસ વિતરણ કરીને ભાવિકો માટે નિઃસ્વાર્થ મદદ કરી પુણ્ય કમાઈ રહ્યા છે. સાથોસાથ પોલીસ વિભાગ દ્વારા પણ પુરતો બંદોબસ્ત ગોઠવી ભાવિકોને કોઈ અગવડતા ન સર્જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. એસડીઆરએફની ટીમ દ્વારા પણ સતત નદીમાં પેટ્રોલિંગ સાથે બંને ઘાટ ખાતે પોઈન્ટ ઉભા કરી સુરક્ષાની સલામતીની ચાંપતી નજર રાખી રહ્યા છે અને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. લાઈફ જેકેટની પુરતી ઉપલબ્ધિ રાખવામાં આવી છે. તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. માં નર્મદાની કૃપાથી સર્વ વિધ્નો સરળતાથી પાર પડ્યા છે અને કોઈ જાનહાનીની ઘટના બનવા પામી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application