Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટનાં અગ્નિકાંડ બાદ સુરતનાં ફાયર વિભાગે મનપાના વિવિધ ઝોનમાં ચેકિંગ, સીલીંગની કામગીરી શરૂ કરી

  • May 28, 2024 

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે આખાય રાજ્યને હચમચાવી મુક્યું છે. આ ગોઝારી દુર્ઘટનામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ પણ આ ઘટના બાદ હચમચી ઉઠ્યું છે. રાજ્ય સરકાર અને તંત્રની સખ્ત શબ્દોમાં હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. રાજકોટની ઘટનાને પગલે રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા સહિતની અન્ય મહાનગર પાલિકાઓના અધિકારીઓના પણ હાઈકોર્ટે કાન આમળ્યા છે. તેને પગલે હવે સુરત ફાયર વિભાગને પણ પોતાની ફરજ, ડ્યૂટી યાદ આવી છે. આજે સવારથી સુરતના ફાયર વિભાગે મનપાના વિવિધ ઝોનમાં ચેકિંગ, સીલીંગની કામગીરી શરૂ કરી છે.


માર્કેટ, દુકાનો, હોટલ, હોસ્પિટલો, સ્કૂલો બધા ઠેકાણે જઈને ફાયરના કર્મચારીઓ ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તે ચેક કરી રહ્યાં છે અને જ્યાં નહીં હોય ત્યાં સીલીંગની કામગીરી કરી રહ્યાં છે. આથી સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસ દ્વારા સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારોમાં આવેલા ઈમારત જેવી કે માર્કેટ, હોસ્પિટલ, હોટલ, ક્લિનિક, ટ્યુશન ક્લાસ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ ઈમારત વગેરેમાં અપૂરતી ફાયર સિસ્ટમ હોય, ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય આજરોજ વહેલી સવારે જાહેર સલામતીને ધ્યાને લેતા તાકીદ અસરથી સીલ કરવામાં આવી છે.


લિંબાયત ઝોન માં ઋતુરાજ માર્કેટ, મિલેનિયમ માર્કેટની સામે કુલ 20 દુકાન, સાકાર માર્કેટ, જે,જે,માર્કેટની બાજુમાં કુલ 08 સાડીના ગોડાઉન તથા ટેસ્ટ ઓફ ભગવતી હોટલને સીલ કરવામાં આવી છે જયારે સેન્ટ્રલ ઝોનમાં સલાબતપુરાની એશિયન ટેક્સટાઇલ માર્કેટ, દિલ્હી ગેટ પાસે આવેલી હોટલ ડાયમંડ પ્લાઝાને સીલ કરાઈ છે. ઉધના ઝોનમાં આવેલી ઉધના બસ ડેપો સામે આવેલું અનુપમ એમેન્ટી સેન્ટર, ઉધના નવસારી મેન રોડ ખાતે આવેલું આસોપાલવ હોસ્પિટલ, આસ્થા ડેન્ટલ ક્લિનિક, લૉજિક ક્લાસ, વિશાલ કમ્પ્યુટર એજ્યુકેશન તથા સિંગિંગ એન્ટ આર્ટ ક્લાસ, સ્વીટ ક્લાસ તેમજ 2 જીમ અને તુલસી રેસ્ટોરન્ટ ને સીલ કરાઈ છે જયારે રાંદેર ઝોનમાં જકાત નાકા પાસે આવેલા રાજ કોરીન કોમ્લેક્સની 13 દુકાન સીલ કરાઈ છે.


અહીં પ્રશ્ન એ થાય છે કે શું કોઈ દુ:ખદ ઘટના બને ત્યાર બાદ જ તંત્રને ડ્યૂટી યાદ આવે છે. પાંચ વર્ષ પહેલાં સુરતના સરથાણામાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ગેરકાયદે ચાલતા ટ્યૂશન કલાસમાં આગ લાગી હતી, તે ઘટનામાં 22 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ એવું લાગતું હતું કે શહેરમાં હવે ફાયર સેફ્ટીના નિયમોનો કડકાઈથી અમલ થશે, પરંતુ થોડા થોડા દિવસે કાપડ માર્કેટ, હોટલ, કમર્શિયલ કોમ્પલેક્સમાં સીલીંગની કામગીરીના દેખાડા સિવાય કશું થતું નથી. જ્યારે કોઈ આગજનીની ઘટના બને ત્યારે ફાયરનો સ્ટાફ ચેકિંગ-સીલીંગનું નાટક કરે અને પછી સ્થિતિ જૈસે થે થઈ જાય છે. શું આ વખતે પણ એવું જ બનશે? થોડા દિવસ બાદ બધું જેવું હતું તેવું જ થઈ જશે???



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application