સુરતના અઠવાલાઇન્સ-પાર્લેપોઇન્ટ, મહિધરપુરા-દિલ્લી ગેટ અને રાંદેર વિસ્તારની બેંકમાં ખાતેદારો સાથે યેનકેન પ્રકારે વાતચીત કરી વિશ્વાસ કેળવ્યા બાદ રોકડ જમા કરાવવામાં તથા ઉપાડવામાં મદદ કરવના બહાને રોકડ તફડાવતી કુખ્યાત ઇરાની ગેંગના પિતા-પુત્ર અને સગા ભત્રીજાને ઉમરા પોલીસે ઝડપી પાડી સુરત શહેરના ત્રણ સહિત પાંચ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ઉમરા પોલીસ સ્ટેશનની ટીમે ઉમરા ગામના તિલક સર્કલ પાસેથી ઇરાની ગેંગના જાવેદ હુસેન સરવન હુસેન ઇરાની (ઉ.વ.50) અને તેનો પુત્ર અબુતારબ જાવેદ હુસેન ઇરાની (ઉ.વ.32) અને સગા ભત્રીજા આવેદ ફિરોઝ ઇરાની (ઉ.વ.40., ત્રણેય રહે.ગલી નંબર 6, ઇરાની નગર, ઇન્દિરાનગરની બાજુમાં, અટાલી, આંબીવલી-વેસ્ટ, થાણે, મહારાષ્ટ્ર)નાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 1.04 લાખ અને 4 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1.46 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, શહેરના મહિધરપુરા વિસ્તારની અમિષા હોટલની બાજુમાં એસબીઆઇ બેંકમાં રૂપિયા 50 હજાર જમા કરાવવા જનાર ગૃહિણીને નવા નિયમ મુજબ સ્લીપમાં તમામ નોટના નોટના નંબર લખવા જરૂરી છે એમ કહી 500/-નાં દરની 100 પૈકી 39 નોટ તફડાવી હતી. ઉપરાંત પાંચેક દિવસ અગાઉ અઠવાલાઇન્સની બેંક ઓફ બરોડામાં રોકડ ઉપાડવા જનાર ખેડૂતને બંડલમાં નોટ ફાટેલી છે તે ચેક કરવાના બહાને રૂપિયા 15,500/- તફડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પિતા-પુત્ર અને ભત્રીજાની ટોળકીએ આ રીતે બેંકમાં રોકડ ઉપાડવા કે જમા કરાવવા આવનાર ખાતેદારોને યેનકેન પ્રકારે વાતચીત કરી વિશ્વાસમાં લઇ હાથની ચાલાકીથી શહેરના રાંદેર વિસ્તાર ઉપરાંત મહેસાણા અને પાનલપુરની બેંકમાં કરતબ અજમાવ્યાની કબૂલાત કરી છે. જયારે જાવેદ અગાઉ અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશન અને તેનો પુત્ર અબુતારબ મહારાષ્ટ્રના અંધેરી, માર્ટુંગા, વિનોબાભાવે અને ભોયવાડા પોલીસ સ્ટેશનમાં પકડાય ચુકયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500