Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંચ દાયકા બાદ સાપુતારાનાં ૨૪૨ વિસ્થાપિતોને નવાગામની જમીનનાં હક્કપત્રો અપાયા

  • April 30, 2022 

વિસ્થાપિતોની લાંબી લડતના સુખદ નિકાલ બદલ, વિસ્થાપિત પરિવારોની ખુશી અને આનંદ જોઈને હર્ષાશ્રુ સાથે ગદગદ થયેલા, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, હંમેશા એક છુપા ભય વચ્ચે તેમના પરિવારજનોની સાથે રહેતા વિસ્થાપિતોને, આ સરકારે ખૂબ જ હકારાત્મક્તા સાથે સોનાની લગડી જેવી જમીનનો પ્લોટ, માત્ર એક રૂપિયાના ટોકન દરે આપીને, વિસ્થાપિતોની સમસ્યા પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે, તેમ જણાવ્યુ હતુ. વિસ્થાપિતોના કલ્યાણની ભાવના સાથે હંમેશા કાર્યરત ભાજપા સરકાર, ક્યારેય પણ આદિવાસીઓનુ અહિત નહીં કરે તેવો વિશ્વાસ બુલંદ કરવાની પણ તેમણે હાંકલ કરી હતી. આદિવાસીઓને હંમેશા લાચાર, ગરીબ અને અશિક્ષિત રાખીને પોતાનો રાજકીય રોટલો શેકતા તત્વોને ઓળખી લેવાની હાંકલ કરતા, આદિજાતિ વિકાસ મંત્રીએ વિસ્થાપિત પરિવારોની નવી પેઢીને શિક્ષણ સાથે કારકિર્દી ક્ષેત્રે અગ્રેસર કરવાની પણ અપીલ કરી હતી.


સાપુતારાના ભવિષ્યની રૂપરેખા નજર સમક્ષ રાખીને, પોતાને મળેલા અતિકિંમતી પ્લોટને, કોઈ પણ લાભાર્થી ક્યારેય નજીવા લોભ કે લાલચના કારણે વેચે નહીં, તેની તકેદારી રાખવાની હિમાયત કરતા ડાંગના પ્રભારી મંત્રીએ, આ પ્લોટ વિસ્થાપિતોની ભાવિપેઢીને તારશે તેમ જણાવ્યુ હતુ. આદિવાસી સમાજને અશિક્ષિત રાખી, લાચારીમા સબળતા રાખવાનુ પાપ કરનારા, તત્કાલિન શાસકોએ કરેલા અપરાધને ભુલી, આપણે આદિવાસી સમાજને સુવિધાઓથી સંપન્ન કરવાના છે, તેવી નેમ પણ મંત્રીએ વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારના બજેટનો ખ્યાલ આપતા આદિજાતિ મંત્રીએ શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, પ્રવાસન, વીજ, પાણી અને માર્ગો સહિત નાના અને મધ્યમ કદના ચેકડેમોના નિર્માણથી, ખેતી અને પશુપાલન માટે પાણીની સુવિધા ઉભી કરવાનુ બીડુ, રાજ્ય સરકારે ઉપાડ્યુ છે, તેમ જણાવ્યુ હતુ.


દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓની ખાનપાન પ્રવૃતિઓના અભ્યાસ બાદ, સસ્તા અનાજની દુકાનો મારફત અપાતા અનાજમા ચોખાનુ પ્રમાણ વધારીને, સ્થાનિક જરૂરિયાતોનુ ધ્યાન રખવાનુ કાર્ય, રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી છે, તેમ જણાવી રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ, દેશના ૮૦ કરોડથી વધુ લોકોને છેલ્લા બે-બે વર્ષોથી વિનામુલ્યે અનાજ આપતી મોદી સરકારની સંવેદનશીલતાનો ખ્યાલ આપ્યો હતો. દર માસે ૧.૨૦ લાખ મે.ટન ઘઉં, અને ૬૦ હજાર મે.ટન ચોખા મળી કુલ ૧ લાખ ૮૦ હજાર મે.ટન અનાજ, વિના મૂલ્યે આપવા સાથે, તેટલુ જ અનાજ સસ્તા દરે આપીને રાજ્ય સરકારે ભૂખ્યાજનોની જઠરાગ્નિને શાંત કરી છે તેમ જણાવ્યુ હતુ.



પ્રાકૃતિક ડાંગમા કૂપોષિત બાળકો ન રહે તે માટે, રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા સામાજિક સર્વેનો અભ્યાસ, નાની ઉમરે થતા લગ્નને કારણે વહેલી માં બનતી યુવતીઓ, અને તેના જન્મનાર સંતાનોનુ સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યુ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતુ. સ્વસ્થ ભાવિ પેઢીના નિર્માણ માટે રાજ્ય સરકારે સગર્ભાઓને એક હજાર દિવસો સુધી ૧ કિલો તુવેરદાળ, અને ૧ કિલો સીંગતેલ, પ્રતિમાસ વિના મૂલ્યે આપવાનુ માનવતાનુ કાર્ય હાથ ધર્યું છે તેમ જણાવ્યુ હતુ. ગર્ભાવસ્થાથી લઈને મૃત્યુ પર્યંત દરેક સ્તરે પ્રજાજનોની ચિંતા કરતી ભાજપા સરકાર, પ્રજાજનોને વિસ્થાપિત કરીને તેમને મુશ્કેલીમા મૂકી નહિ શકે, તેમ જણાવ્યુ હતુ.



વડાપ્રધાનએ આદિવાસી પરિવારોનુ લુણ ખાધું છે, ત્યારે તેઓ ક્યારેય પણ આદિવાસી સમાજનુ અહિત નહીં કરે તેવો વિશ્વાસ દ્રઢ કરવાની હાંકલ પણ મંત્રીએ આ વેળા કરી હતી. ડાંગની પ્રજાને અંધકારમાંથી ઉજાશ તરફ દોરી જનારી વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકારનો અભિગમ સ્પષ્ટ કરતા મંત્રીએ, આદિવાસી સમાજના ભાવિ પેઢી સમા સંતાનોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનુ પણ આહવાન કર્યુ હતુ. આદિવાસી પ્રજાજનોની સુખાકારીને વરેલી રાજ્ય અને કેન્દ્ર સરકાર, ક્યારેય કોઈના નિસાસા નહીં લે, તેમ જણાવી આદિજાતિ વિકાસ મંત્રીએ, પ્રજાજનોના આશીર્વાદ લેવાના કાર્યો કરતી સરકાર ઉપર, હંમેશા વિશ્વાસ રાખવાની પણ અપીલ કરી હતી.



મંત્રીએ જેમને જમીન મળી છે તેમને સુખ સમૃદ્ધિની કામના સાથે, ભાવિપેઢીને સુખી ભવિષ્યની ભેટ આપવાની અપીલ કરી હતી. દ્વિભાષિ મુંબઈ રાજ્યની ભૂમિકા રજૂ કરતા વલસાડ-ડાંગના સાંસદ, ડાંગ તથા ઉમરગામ જેવા સરહદી વિસ્તારને, ગુજરાત રાજ્ય સાથે જોડવાની ચળવળનો ખ્યાલ આપી, આ વિસ્તારોનુ ગુજરાત સાથે જોડાણ થતા અહી વિકાસનો સુરજ ઉગ્યો છે, તેમ જણાવ્યુ હતુ. નરેન્દ્રભાઈ મોદીની સરકારે હાથ ધરેલા વૈશ્વિક કાર્યોની ઝાંખી રજૂ કરતા સાંસદએ, પ્રજાજનોએ ભાજપામા મૂકેલા વિશ્વાસને બિરદાવી, કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજા કલ્યાણની પરિયોજનાઓનો ખ્યાલ આપ્યો હતો. સાંસદએ બિલિમોરા-વઘઇ-સાપુતારા-મનમાળ (નાશિક) રેલ્વે લાઇનના પ્રોજેકટનો પણ આ વેળા ખ્યાલ આપ્યો હતો.



સાપુતારાના વિસ્થાપિતોએ જે તે સમયે વેઠેલી મુશ્કેલીનો હલ આજે આવ્યો છે, તેમ જણાવતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતે, ભાજપાની સરકાર, અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ત્યારબાદ શ્રીમતી આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી, અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાપ્રશ્નના નિરાકરણ માટે હાથ ધરેલા પ્રયાસોની જાણકારી આપી હતી. પ્રાસંગિક ઉદ્દબોધનમા બોલતા પ્રમુખએ, અંદાજિત એક કરોડ રૂપિયાથી પણ વધુની બજાર કિંમતના ૩૦૦ ચો.મીટરના પ્લોટના હક્કપત્રો મળ્યા બાદ, કોઈ પણ લાભાર્થી લોભ કે લાલચમા ફસાયા વિના, આ પ્લોટનુ જતન સંવર્ધન કરીને તેમના પરિવારજનોને સુખ સુવિધા આપવાની હિમાયત કરી હતી. બાકી રહી ગયેલા આડી લીટીના વારસદારોને પણ આગામી દિવસોમા તેમના હકો મળી રહે, તે માટે સરકાર હકારાત્મકતાથી વિચાર કરી રહી છે, તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.



સાપુતારા-નવાગામના જટિલ પ્રશ્નોની લાંબી લડાઈનું સુખદ સમાધાન કરતા ભાજપાની રાજ્ય અને કેન્દ્ર સરકારે ખૂબ જ સંવેદનશીલતા સાથે, આખરી નિર્ણય લઈને વિસ્થાપિતોને ન્યાય અપાવ્યો છે, તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય, ગિરિમથકની સોનાની લગડી જેવી અતિકિંમતી જમીન, માત્ર ૧ રૂપિયાના ટોકન આપીને, પ્રજાહિતને સર્વોપરી માન્યુ છે તેમ જણાવ્યુ હતુ. વિસ્થાપિતોની ધીરજ અને વિશ્વાસને બિરદાવી ધારાસભ્યએ, આદિવાસી હિતને વરેલી રાજ્ય અને કેન્દ્ર સરકારના અભિગમનો ખ્યાલ આપી, જટિલ પ્રશ્નોના સમાધાનમા અગ્રીમ ભૂમિકા અદા કરનારા પદાધિકારીઓ, કાર્યકરોના યોગદાનને પણ બિરદાવ્યો હતો.


ડેમના મુદ્દે ભ્રમિત પ્રચાર કરતા તત્વોને ઓળખી લઈને, પ્રજાજનોને ચૂંટણી ટાણે ભરમાવતા તત્વોની મેલી મુરાદને પિછાણી લેવાની પણ તેમણે હાંકલ કરી હતી. આદિવાસી સમાજના અહિતનો એકપણ નિર્ણય, વર્તમાન સરકાર નહીં લે, તેવો વિશ્વાસ રાખવાની પણ ધારાસભ્યએ હાંકલ કરી હતી. કાશ્મીરની ૩૭૦ કલમ, અયોધ્યાનુ શ્રી રામ મંદિર, દેશના કરોડો લોકોને વિનામુલ્યે અનાજ આપવા જેવા સામાજિક કદમ, માત્ર અને માત્ર મોદી સરકાર જ ઉઠાવી શકે તેમ પણ વધુમા જણાવ્યુ હતું. કાર્યક્રમમા પધારેલ મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત સાપુતારા નોટિફાઇડ એરિયા કચેરીના ચીફ ઓફિસર કર્યું હતુ.


નવાગામના અગ્રણી વડીલ યશવંતરાવ પવારે, ગ્રામજનોવતી મંત્રીનું શાલ અર્પણ કરી સ્વાગત કર્યું હતુ. સ્થાનિક જનપ્રતિનિધિઓએ વર્ષો જૂના પ્રશ્નોના સુખદ સમાધાન લાવવા બદલ, રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે મંત્રી સહિત સાંસદનુ અને મહાનુભાવોનુ સ્મૃતિભેટ સાથે સામૂહિક અભિવાદન કર્યું હતુ. કાર્યક્રમમા નવાગામના જમીનના હક્કપત્રો મેળવનારા લાભાર્થીઓ સહિત ભાજપા પ્રમુખ દશરથભાઈ પવાર, મહામંત્રીઓ સર્વેશ્રી હરિરામ સાવંત, કિશોરભાઈ ગાવિત, રાજેશભાઈ ગામીત, આહવા, વઘઇ, અને સુબિર તાલુકા પંચાયતોના પ્રમુખઓ, તાલુકા/જિલ્લા પંચાયતોના હોદ્દેદારો, હોટેલ ઓનર્સ એસોસીએશનના સેક્રેટરી તુકારામ કરડીલે, ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ, TCGLના મેનેજર ભીમભાઇ પરમાર, અન્ય પ્રશાસનિક અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, તેમની ભૂમિકા નિભાવી હતી.



નવાગામના લાભાર્થીઓ વતી કેટલાક લાભાર્થીઓએ મુખ્ય સ્ટેજ ઉપરથી તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા. પુંડલિકભાઈ તથા યશવંતરાવ એ, રાજ્ય સરકારનો ઋણ સ્વિકાર કરતા, આજે તેમને સાચુ સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયુ છે, તેમ જણાવ્યુ હતુ. છ છ દાયકાઓની લડત અને રજૂઆત બાદ આજે મળેલા જમીનના હક્ક બદલ, સર્વશ્રી પુંડલિકભાઈ ગાંગુર્ડે તથા યશવંતરાવ પવારે ગદગદ કંઠે, રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરી હતી. પોતાને મળેલ જમીનના હક્કપત્રોનો, આ ઐતિહાસિક દિવસ છે તેમ પણ તેમણે વધુમા ઉમેર્યું હતું. ઉલ્લેખનિય છે કે, આજે રાજ્ય સરકાર વતી આદિજાતિ વિકાસ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે, કુલ ૨૪૨ લાભાર્થી વિસ્થાપિતોને જમીનના હક્કપત્રો એનાયત કરાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application