Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મરચાના પાકમા ખોટ ખાધા બાદ, આંબાકલમ તૈયાર કરીને યુવાને પોતાને થયેલી ખોટને સરભર કરી

  • May 05, 2022 

કોરોનાના કપરા કાળમા પાંચેક લાખના મરચાના પાકના કોઈ લેવાલનહી મળતા મહેનત માથે પડી હોવા છતા, હૈયે હામ રાખીને ફરીથી પરિશ્રમ કરી, આંબાકલમ તૈયાર કરીને, પોતાને થયેલી ખોટને સરભર કરી લઈ, ગોદડિયાનો યુવાન ખેડૂત અન્યો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે. કોરોનાના વર્ષમા એટલે કે, પ્રથમ લોકડાઉન વેળા પોતે તૈયાર કરેલી મરચીનો પાક કોઈ ખરીદવા તૈયાર ન હતુ. જેને લઈને અંદાજે પાંચેક લાખની ખોટને કારણે, માથે હાથ દઈને બેઠેલા વઘઇ તાલુકાના ગોદડિયાના ખેડૂતને નવી રાહ ચીંધી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇએ અમૂલ્ય માર્ગદર્શનઆપીને, તેને ફિનિક્સ પક્ષીની જેમ,રાખમાંથી પુનઃ બેઠો કર્યો છે.



પોતાના ખેતરમા માત્ર પાંચ ગુંઠા જેટલી મુઠ્ઠીભર જમીનમા બારેક હજાર જેટલી મધમીઠી કેરીની વિવિધ જાતો હાફૂસ, કેસર, લંગડો, દશેરીની કલમો ઉછેરીને, એક કલમના રૂ.૭૦/- પ્રમાણે ૧૨ હજાર કલમનો કુલ રૂ.૮ લાખ ૪૦ હજારમા સોદો પાકો કરીને, ગોદડિયાના યુવા ખેડૂત હસમુખ બાગુલે ખોટમાંથી બેઠા થવાનો સાહસિક માર્ગ પસંદ કર્યો છે. પોતાની બાપિકી એક હેક્ટર-૧૫ આરે જમીન પૈકી માત્ર પાંચ ગુંઠામા જ, દસ દસ માસથી આંબા કલમને ઉછેરીને લાખોનો નફો રળતા આ યુવાન ખેડૂત હસમુખ બાગુલે જણાવ્યુ હતુ કે, કોરોના કાળમા હિંમત હાર્યા પછી, ફરી બેઠા થવુ મુશ્કેલ હતુ. ત્યારે જ વઘઇના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત વૈજ્ઞાનિક તથા તેમની ટીમે અને સાહસિક આંબાકલમના ઉછેરની દિશા બતાવી. જેના થકી દશેક માસમા જ ૧૨ હજાર આંબા કલમ તૈયાર કરીને, ખેતર બેઠા લેવાલપણ મળી જતા, તેનામા નવો જોમ અને જુસ્સો આવ્યો છે. તેને જોઈને અન્ય ખેડૂતો પણ નવતર ખેતી પાકો તરફ વળી રહ્યા છે, તેમ હસમુખ બાગુલે ગર્વ સાથે જણાવ્યુ હતુ.



આંબાકલમ સિવાય જો તેણે પાંચ ગુંઠામા મરચી, રીંગણ, ટામેટા જેવા ધરૂ તૈયાર કર્યા હોત તો માત્ર પાંચ-સાત હજારની જ આવક મેળવી શક્યો હોત, તેમ જણાવતા તેણે આંબા કલમ કરીને ૮ લાખ ઉપરાંતની આવક મેળવી છે, તેમ એક રૂબરૂ મુલાકાતમા જણાવ્યુ હતુ. હસમુખ બાગુલે ૧૨ હજાર આંબાકલમ તૈયાર કરવા માટે શરૂઆતમા એકાદ મહિનો પંદર, વીસ મજૂરો રાખવા પડ્યા હતા. જેના માટે અંદાજિત એકાદ લાખ રૂપિયાના રોકાણ સિવાય, દસ મહિના સુધી નિયમિત પાણી આપી,તેની માવજત કરીને ઘરના છ વ્યક્તિઓની દેખરેખ હેઠળ, આઠેક લાખરૂપિયાની આવક મેળવી છે.



કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇના બાગાયત વેજ્ઞાનિકએ, ડાંગ જિલ્લામા મરચી, રીંગણ, ટામેટા, આંબા જેવા પાકોમા અહીના ખેડૂતોને ધરૂ વાડિયુ લેવા માટે છેક વ્યારા કે વાંસદા સુધી જવુ પડતુ હોય છે. ત્યારે જો તેઓ અહી ઘર બેઠા જ વેજ્ઞાનિક પદ્ધતિથી ધરૂ તૈયાર કરે, તો તેમનુ આર્થિક ભારણ હળવુ કરવા સાથે આવકનો નવો સ્ત્રોત પણ મળી રહે છે તેમ જણાવ્યુ હતુ. યુવાનોને 'આત્મનિર્ભર'બનવાની પ્રેરણા આપતા ગોદડિયાના આ યુવાને,ગામમા જ્યારે અન્ય ખેડૂતો ભીંડાની ખેતી તરફ વળ્યા હતા. ત્યારે ધરૂવાડિયુ ઉછેરીને, નવો ચીલો ચાતર્યો છે. માત્ર ધોરણ-૯ સુધી જ અભ્યાસ કરી શકેલો આ સાહસિક યુવાન, ખેતીમા નવતર પ્રયોગ કરીને તેને જ વ્યવસાયના રૂપમા અપનાવી ચૂક્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application