Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ બાદ વ્યારામાં વધુ એક વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધાયો,પોલીસે ઘરે તપાસ કરતા દારૂ પણ મળી આવ્યો

  • January 12, 2023 

વાલોડ અને વ્યારા સહિતના વિસ્તારોમાં વ્યાજખોરોન ત્રાસ વધી રહ્યો છે, લોકો પણ હિમ્મત કરીને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ આપવા આગળ આવી રહ્યો છે, ત્યારે વાલોડ બાદ વ્યારામાં વધુ એક વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધી વ્યાજખોરની તાત્કાલિક ધરપકડ કરતા માર્કેટમાં ઉચા વ્યાજે ગેરકાયદેસર રીતે રૂપિયા ફેરવતા વ્યાજખોરોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.




મળતી માહિતી મુજબ વ્યારાના સુરતી બજાર પાસે દીપકશાળા પાસે રહેતા હિરેન રાજુભાઈ રામોડે  ઈંગ્લીશ મીડિયમ  સ્કૂલની સામે,સ્કૂલ શોપિંગ સેન્ટરમાં રાજ પાન કોર્નર નામે પાન મસાલા અને ઠંડા પીણાંની દુકાન ચલાવે છે. ધંધામાં નાણાંની જરૂર હોવાથી વ્યારા મુસા રોડ પર આવેલી તોરણ રેસિડેન્સીમાં રહેતા અને વ્યાજે નાણાં ધીરનાર ભરત રાજા કાઠિયાવાડી પાસેથી તા.૨૫મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ ૪૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેની ડાયરી બનાવી બીજા દિવસથી મુદ્દલ ના ૪૦૦ રૂપિયા તથા વ્યાજના ૧૦૦ રૂપિયા મળી કુલ રૂપિયા ૫૦૦ ની દૈનિક ઉઘરાણી ભરત કાઠિયાવાડી રાજ પાન કોર્નર પર આવીને કરી જતો હતો. વધુ નાણાંની જરૂર પડતા હિરેન રામોડેએ તા.૧૨મી નવેંબરના રોજ ભારત કાઠિયાવાડી પાસે ફરી ૪૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જે દરમિયાન તા.૨૯મી નવેમ્બર સુધીમાં હિરેને વ્યાજ સહીત કુલ રૂપિયા ૨૬ હજારની ચુકવણી કરી દીધી હતી.




ત્યારબાદ બાકી પૈસા ચૂકવવા અંગે તાત્કાલિક સગવડ ન થતા, ચુકવણી બંધ કરી હતી. જેથી ભરત  અવર નવાર દુકાને આવી વ્યાજ સહીત કુલ રૂપિયા ૬૩ હજાર ની માંગણી કરતો હતો. નાણાંના સગવડના અભાવે ભીંસમાં સપડાતાં  હિરેન રામોડેએ થોડો સમય દુકાન પણ બંધ કરી હતી. ત્યારબાદ ભરત કાઠિયાવાડી એ મારા વ્યાજ સાથેના નાણાં પરત ન કરશે તો તને હેરાન કરી નાખીશ એવી હિરેનને ધમકી આપી હતી..હાલ આર્થિક સ્થિતિ પણ નબળી હોય, તથા ધંધામાં પણ મંદી હોવાથી , વ્યાજખોરથી ત્રાસી હિરેન રામોડેએ વ્યારા પોલીસ મથકે ભરત કાઠિયાવાડી વિરુદ્ધ ફરિયાદ આપી હતી, જે ફરિયાદના આધારે વ્યારા પોલીસે ભરત કાઠિયાવાડીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



પોલીસે ઘરે તપાસ કરતા દારૂ મળી આવ્યો

વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ સાંજનાં સમયે સરકારી તથા ખાનગી વાહનમાં બેસી મુસા રોડ તોરણ રેસીડન્સીમાં બાતમીનાં આધારે પહોચતા ત્યાં એક ઈસમ હાજર મળી આવ્યો હતો. જોકે પોલીસે ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ ભરતભાઈ વ્રજલાલભાઈ રાજા (લુવાણા) (રહે. ઘર નંબર-૭૪, તોરણ રેસીડન્સી, મુસા રોડ, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઈસમને સાથે રાખી ઘરમાં તપાસ કરતા ઘરનાં રસોડાનાં ભાગે વગર પાસ પરમીટે એક પ્લાસ્ટીકની બોટલમાં પ્રવાહી મળી આવ્યું હતું અને બોટલનું ઢાંકણ ખોલી સુંઘી જોતા ઈંગ્લીસ દારૂ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસ કર્મચારી પ્રકાશભાઈ વસાવાની ફરિયાદનાં આધારે ભરત રાજા (લુવાણા) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application