કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાદ હવે વધુ એક નેતાને અમદાવાદની કોર્ટનું તેડું આવ્યું છે.બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને ગુજરાતીઓ પર વિવાદાસ્પદ નિવેદન કરવું ભારે પડ્યું છે.તેજસ્વી યાદવ વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ફરિયાદ થઈ છે.મીડિયા અહેવાલ મુજબ,આ મેટ્રો કોર્ટમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ થયેલી ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે,જાહેર માધ્યમથી તેજસ્વી યાદવ દ્વારા ગુજરાતીઓ પર કરવામાં આવેલી ટિપ્પણીથી ગુજરાતીઓ પ્રત્યે લોકોની દ્રષ્ટિ બદલાઈ છે.તેજસ્વી યાદવ દ્વારા ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અરજી સંદર્ભે 1મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
તેજસ્વી યાદવ પર ગુજરાતીઓને અપમાનિત કરવાનો આરોપ
અહેવાલ અનુસાર, આરજેડી નેતા અને બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ, ધૂતારા સહિતના અશોભનીય શબ્દો કરીને અપમાનિત કર્યા હોવાનો ઉલ્લેખ અરજીમાં કરાયો છે. અરજદારે અરજીમાં આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ કરતા કહ્યું કે,તેજસ્વી યાદવ જેવા જવાબદાર વ્યક્તિ જાહેર માધ્યમથી આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્ય નથી આથી બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. આ મામલે હવે 1 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
અગાઉ કોંગ્રેસ નેતાને સુરત કોર્ટે સજા ફટકારી
જણાવી દઈએ કે,આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમને લઈ વિવાદિત ટિપ્પણી કરવા બદલ સુરતની કોર્ટ દ્વારા 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.તેમણે મોદી સરનેમ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ આપરાધિક માનહાનિના દોષી ગણાવાયા હતા.આ નિર્ણય બાદ તેમનું સંસદ પદ પણ રદ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500