દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ પૂરો નથી થયો ત્યાં વધુ એક વાયરસે પોતાનો પરચો દેખાડવાનું શરૂ કરી દીધું છે. કેરળમાં તાજેતરમાં નિપાહ વાયરસનો કેસ નોંધાયો હતો ત્યારે હવે તમિલનાડુમાંથી પણ એક કેસ સામે આવ્યો છે. કોઈમ્બતુરના જિલ્લાધિકારીએ તેમના ત્યાં નિપાહ વાયરસનો કેસ નોંધાયો હોવાની માહિતી આપી હતી અને સાથે જ તમામ પ્રકારની સાવધાનીઓ વર્તવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું. હવે ભારે તાવ સાથે જે પણ કેસ સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે તેની યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે.
કેરળમાં એક બાળકનું મોત...
કેરળમાં ગતરોજ નિપાહ વાયરસના કારણે 12 વર્ષની ઉંમરના એક બાળકનું મોત થયું હતું. જેને લઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. કોઝિકોડ ખાતેની ખાનગી હોસ્પિટલમાં તે બાળકની સારવાર ચાલી રહી હતી અને આખરે તેણે દમ તોડી દીધો હતો. કેરળમાં કોરોનાના કારણે સ્થિતિ કથળેલી છે તેવામાં નવા વાયરસના આગમનથી ચિંતા વધી છે. દેશમાં કોરોનાના વર્તમાન કેસ પૈકીના 70 ટકા કેસ કેરળમાંથી નોંધાઈ રહ્યા છે અને હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ જેટલી છે.
નિપાહ વાયરસ શું છે...
નિપાહ વાયરસ સૌથી પહેલા 1998માં મલેશિયામાં નોંધાયો હતો. ભારતના પશ્ચિમ બંગાળમાં 2001માં તેના અનેક કેસ સામે આવ્યા હતા. તે પણ કોરોના વાયરસની જેમ ખતરનાક છે પરંતુ તે હવાથી નથી ફેલાતો. તે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. તેના ફેલાવાનું મુખ્ય કારણ ચામાચીડિયા છે. જોકે વર્તમાન પરિસ્થિતિમાં તે મનુષ્યમાંથી મનુષ્યમાં ફેલાય તેનું જોખમ છે. તે સિવાય ભૂંડ દ્વારા પણ તે ફેલાઈ શકે તેવો ડર છે. તેના લક્ષણોમાં ભારે તાવ આવે છે જે 2 સપ્તાહ સુધી ચાલે છે અને શરીરને નુકસાન પહોંચાડે છે. ચિંતાની વાત એ છે કે, આ વાયરસના કારણે કોઈ પણ વ્યક્તિના મગજને ખરાબ અસર પહોંચી શકે છે જે મૃત્યુ તરફ ધકેલે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500