અમરોલીના ગુ.હા. બોર્ડ નજીક પાનના ગલ્લા માલિકની સર્તકતાથી ઝડપાયેલા દેશના અર્થતંત્રને ખોખલું કરતા બોગસ ચલણી નોટ પ્રકરણમાં કરિયાણાના દુકાનદાર અને તેના ભાઈની પૂછપરછના આધારે બેંગલોર બાદ હવે સુરત પોલીસે ચેન્નાઇમાં દરોડા પાડી ચલણી નોટ પ્રકરણના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી રૂ. 17લાખની બોગસ ચલણી નોટ ઉપરાંત પ્રિન્ટીંગ સહિતનો સામાન કબ્જે લીધો છે.
દસ દિવસ અગાઉ અમરોલીના જલારામ નગર નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડ નજીક કેસરીયા હનુમાન મંદિર પાસે અશોક પટેલના પાનના ગલ્લા પર રૂ. 500 ની બોગસ ચલણી નોટ લઇ ખરીદી કરવા આવેલા શાંતિલાલ ભંવરલાલ મેવાડા રહે. નીચલી કોલોની, છાપરાભાઠા અને મૂળ. દેવગઢ, જિ. રાજસમદ, રાજસ્થાન) અને તેની પૂછપરછના આધારે તેના પિતરાઇ વિષ્ણુ મિસરીલાલ મેવાડા (રહે. શીવશક્તિ સોસાયટી, ભટાર) ને ઝડપી પાડી 500 ના દરની કુલ 181 અને 50 ના દરની 32 નોટ કબ્જે લીધી હતી. ઉપરાંત દોઢ-બે મહિનામાં 500 ના દરની 70 નોટ બજારમાં ફરતી કરી દીધી હોવાની કબૂલાત કરી હતી. દેશના અર્થતંત્રને ખોખલું કરતા બોગસ ચલણી નોટ પ્રકરણમાં અમરોલીની સાથે એસઓજની ટીમે બેંગ્લોર ખાતે દરોડા પાડયા હતા. જયાંથી માઇકલ રાઇવન ઉર્ફે રાહુલ પાસ્કલ ફર્નાનડીઝ (ઉ.વ. 39 રહે. મસ્જિદ પાસે, બેગુર, બેગ્લોંર, કર્ણાટક અને મૂળ. ચંદ્રોલી ચર્ચ પાસે, તા. મુંડીગેર, ફેસ્ટકુવે, જિ. ચિકમગ્લુર, કર્ણાટક) ને ઝડપી પાડી તેના ઘરમાં સર્ચ કર્યુ હતું. સર્ચ દરમિયાનમાં ઘરમાંથી 500 ના દરની રૂ. 4.89 લાખની 978 નંગ બોગસ ચલણી નોટ મળી આવી હતી. આ માઇકલની પૂછપરછના આધારે એસઓજીએ ચેન્નાઇના ગોવિંદસ્વામી સ્ટ્રીટમાં રહેતા સૂર્યા સેલ્વરાજ (ઉ.વ. 36) ના ઘરે દરોડા પાડી રૂ. 17 લાખની 500 ના દરની બોગસ ચલણી નોટ કબ્જે લઇ ધરપકડ કરી છે. ચલણી નોટ ઉપરાંત નોટ છાપવા ઉપયોગમાં લીધેલા સ્ટેમ્પ પેપર સહિતની સામગ્રી કબ્જે લીધી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500