અફઘાનિસ્તાને ભારતમાં પોતાના વાણિજ્ય દૂતાવાસમાં કામકાજ બંધ કરી દીધું છે. આ અંગે અફઘાન દૂતાવાસ દ્વારા એક નોટિફિકેશ પણ જારી કરવામાં આવી છે. જોકે ભારત સરકાર દ્વારા તેને વેરિફાઈ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દૂતાવાસનું નેતૃત્વ રાજદૂત ફરીદ મામુન્ડઝે કરી રહ્યા હતા અને તેઓ હાલમાં લંડનમાં છે. મામુન્ડ્ઝેની પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી હતી અને ઓગસ્ટ 2021માં તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા પછી પણ તેઓએ અફઘાની રાજદૂત તરીકે સેવા આપવાનું ચાલુ રાખ્યું હતું.
અફઘાની દૂતાવાસ દ્વારા ભારતમાં તેનું કામકાજ બંધ કરવાના સમાચાર પર ભારત સરકારના સૂત્રોએ કહ્યું કે દિલ્હીમાં અફઘાન દૂતાવાસે આ મુદ્દાને લઈને એક પત્ર મોકલ્યો છે. જોકે આ પત્રની સત્યતા અને તેની કન્ટેન્ટની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અફઘાની રાજદૂત મામુન્ડઝેનું છેલ્લા ઘણા મહિનાઓથી ભારતની બહાર રહેવા, ત્યાં આશ્રય મળ્યા પછી રાજદ્વારીઓની ત્રીજા દેશોની વારંવાર મુલાકાત અને દૂતાવાસના કર્મચારીઓમાં આંતરિક ઝઘડાને કારણે આવું બન્યું છે. મળતી માહિતી મુજબ, દૂતાવાસે આગામી કેટલાક દિવસોમાં દૂતાવાસની કામગીરી બંધ કરવાના નિર્ણય પર વિદેશ મંત્રાલયને પત્ર મોકલ્યો છે. જોકે આ મામલે દૂતાવાસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500