વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉત્તરાધિકારી અંગે અંતે સ્પષ્ટતા કરી દીધી હતી. મોદીએ બિહારમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે, મારો કોઇ ઉત્તરાધિકારી નહીં હોય, દેશની જનતા જ મારી ઉત્તરાધિકારી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આગામી વર્ષે નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે અને અમિત શાહને વડાપ્રધાન બનાવી પોતે નિવૃત થઇ જશે. તેથી ચર્ચાએ જોર પકડયું હતું કે મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે, એવામાં વડાપ્રધાને આ સ્પષ્ટતા કરી હતી. બિહારના ચંપારણ અને મહારાજગંજમાં રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિપક્ષ જાતિવાદી, કોમવાદી છે. તેમના માટે બિહારની માન મર્યાદા કોઇ જ મહત્વ નથી ધરાવતી.
ડીએમકેના નેતાઓએ બિહારના લોકોને ગાળો આપી, તેલંગાણા કોંગ્રેસના નેતાઓએ પણ ગાળો આપી ત્યારે પણ આ શાહીપરિવાર મૌન બેઠો રહ્યો હતો. તેજસ્વી યાદવનું નામ લીધા વગર મોદીએ કહ્યું હતું કે જંગલરાજના વારસદાર કહી રહ્યા છે કે મોદીને લોકસભાની ચૂંટણી પછી આરામની સલાહ આપવામાં આવશે. કોંગ્રેસના શેહઝાદા કહે છે કે તે મારી આંખોમાં આંસુ જોવા માગે છે. તેમનો પક્ષ ખુલ્લેઆમ કહી રહ્યો છે કે મોદી તારી કબર ખોદવામાં આવશે. જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા કહે છે કે, મારી જિંદગીનો અંતિમ સમય આવી ગયો છે અને તેથી હું વારાણસીથી ચૂંટણી લડી રહ્યો છું. આ પ્રકારના નિવેદનો સાબિત કરે છે કે જે લોકો ચાંદીની ચમચી સાથે જન્મે છે તેમના દિલમાં સંવેદનશિલતા નથી હોતી અને તેઓ જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે.
તેમની સમસ્યાઓ ના સમજી શકે. વિપક્ષના નેતાઓ એ સ્વીકારવા માટે જ તૈયાર નથી કે ચાર તારીખે કેન્દ્રમાં એનડીએની સરકાર બનવા જઇ રહી છે. અને તેથી જ જેમ જેમ ચૂંટણી પરિણામોનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ વિપક્ષના નેતાઓ મને ગાળો દેવા લાગ્યા છે. મોદીએ ફરી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને યાદ કરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, મોદીએ દાવો કર્યો હતો કે જો આંબેડકર ના હોત તો નેહરુ અનામત લાગુ ના થવા દેત. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ માટે કૂંભ કરતા પોતાની મતબેંક વધુ મહત્વની છે. જ્યારે સપા અને કોંગ્રેસનું શાસન હતું ત્યારે કુંભ મેળામાં નાસભાગ થતી હતી. લોકો મોતને ભેટી રહ્યા હતા. કોંગ્રેસ માટે કુંભ કરતા પોતાની મત બેંક વધુ મહત્વની છે. ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસના પાપ સાથે દેશ આગળ ના વધી શકે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500