બોલિવૂડ 'ક્વિન' અને પોતાના દબંગ મિજાજથી જાણીતી અભિનેત્રી કંગના રણૌત ગુજરાતની મુલાકાતે આવી હતી. તેમણે ગુજરાત આવીને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ મૂર્તિ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રતિમાની મુલાકાત બાદ તેમણે સમગ્ર પરિસરની મુલાકાત લીધી હતી. સરદાર પટેલે આઝાદી માટે કરેલા પ્રયાસો અને રજવાડાને એક કરવા માટે શરૂ કરેલા અભિયાન અંગે જાણકારી મેળવી હતી.
કંગનાની આ મુલાકાત દરમિયાન ઝુબીન ગમીર એમના ગાઈડ બન્યા હતા. દરેક ખૂણાની માહિતી આપી હતી. એકતાનગરમાં થઈ રહેલા દરેક પ્રોજેક્ટ અને વિકાસ અંગે માહિતી મેળવી હતી. એટલું જ નહીં અહીં રહેલી નોંધપોથીમાં પણ પોતાના પ્રતિભાવ લખ્યા હતા. પોતાની મુલાકાતનો ઉલ્લેખ કરીને તેમણે સ્થળ અંગે પોતાના વિચારોને શબ્દો આપ્યા હતા. પ્રતિમા જોયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલની આ પ્રતિમા આખા દેશનું ગૌરવ છે. આ પ્રતિભાને સેલ્યુટ કરવાનો મને મોકો મળ્યો છે. કંગનાએ અહીંની સ્વચ્છતા, સંચાલન અને સુવિધાઓની પ્રશંસા કરી હતી.
મુલાકાત દરમિયાન મુખ્ય અધિકારી ઉદિત અગ્રવાલ અને નર્મદા જિલ્લા ક્લેક્ટર શ્વેતા તેવટિયા સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓએ એમને એક સોવિનિયર આપ્યું હતું. ભાવથી સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં નોરતા શરૂ થતા જ ઘણા બોલિવૂડ સેલેબ્સ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. પહેલા નોરતા આયુષ્માન ખુરાનાએ જામનગરની મુલાકાત લીધી હતી. એ પછી વરૂણ ધવન અને હવે કંગના ગુજરાતની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500