અભિનેતા અને બિગ બોસ-13ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું આજરોજ અવસાન થયું છે. મુંબઈની કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થના મૃત્યુની પૃષ્ટિ કરી છે. 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. જાણવા મળ્યા મુજબ સિદ્ધાર્થ શુક્લાએ રાતે સૂતા પહેલા કેટલીક દવાઓ ખાધી હતી અને ત્યાર બાદ તેઓ ઉઠી ન શક્યા. બાદમાં હોસ્પિટલે સિદ્ધાર્થનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાની પૃષ્ટિ કરી હતી.
સિદ્ધાર્થ શુક્લાના અચાનક અવસાનના કારણે સમગ્ર બોલિવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. તમામ અભિનેતા અને અભિનેત્રીઓ દ્વારા સિદ્ધાર્થ શુક્લાના અવસાનને લઈ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
બિગ બોસ અને ખતરો કે ખિલાડીના વિજેતા
ટીવી ઈન્ડસ્ટ્રીનો ફેમસ ચહેરો સિદ્ધાર્થ શુક્લા રિયાલિટી શો બિગ બોસની 13મી સિઝનમાં વિજેતા બન્યો હતો. તે સિવાય તેમણે ખતરો કે ખિલાડીની 7મી સિઝનમાં પોતાનું નામ કર્યું હતું. સિદ્ધાર્થ શુક્લાએ બાલિકા વધૂ સીરિયલ દ્વારા ઘર-ઘરમાં ખ્યાતિ મેળવી હતી.
મોડેલિંગથી શરૂઆતથી બોલિવુડમાં સુધી નામ થયું
12 ડિસેમ્બર, 1980ના રોજ મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થે એક મોડલ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. 2004માં ટીવી દ્વારા એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. 2008માં તેઓ, ‘બાબુલ કા આંગન છૂટે ના’ નામની ટીવી સીરિયલમાં જોવા મળ્યા હતા. જોકે, બાલિકા વધૂ સીરિયલ દ્વારા તેમને સાચી ઓળખ અને ખ્યાતિ મળી હતી.
ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં સફળતા બાદ તેમણે બોલિવુડનો રસ્તો પકડ્યો હતો. તેઓ 2014માં આવેલી ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ નામની ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ વર્ષે તેમની બ્રોકન બટ બ્યુટીફુલ નામની વેબ સીરિઝ આવી હતી જે લોકોને ખૂબ પસંદ આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500