તાપી જિલ્લામાં સારી કે ખરાબ તમામ પ્રકારની પરીસ્થિતિ માટે તૈયાર ક્વિક રિસ્પોન્સ ટીમો બનાવવામાં આવી હતી જે ૨૪૭ કાર્યશીલ છે. સાથે-સાથે જિલ્લામાં ૨૪૭ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. તૌકતે વાવાઝોડું ગુજરાતની સરહદે ત્રાટક્યું તે પહેલાના, તે દરમિયાન અને તે પછીની સ્થિતિ માટે માઇક્રો-પ્લાનીંગથી કામગીરીની વહેચણી જિલ્લા કલેકટર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કચેરી દ્વારા કરવામાં આવી હતી.
આ કામગીરીની સકારાત્મક અસર જિલ્લામાં સરળતાથી અનુભવી શકાય છે. મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફીસર, પોલીસ વિભાગ, વન વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગ, માર્ગ અને મકાન, વન વિભાગ, આર.ટી.ઓ અને ડી.જી.વી.સી.એલ વિભાગ, આરોગ્ય વિભાગ,સિંચાઇ વિભાગ, બી.એસ.એન.એલ વગેરે જેવા મહત્વના તમામ વિભાગની કુલ-૮૫ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં દ.ગુ.વીજ.કં.લી. વિભાગ દ્વારા ૧૫ ટીમો બનાવવામાં આવી હતી.
તાપી જિલ્લામાં દ.ગુ.વીજ.કં.લી.નાં કાર્યપાલ ઇજનેર જે.એન.પટેલ દ્વારા મળેલ માહિતી અનુસાર, વિભાગીય કચેરી વ્યારા દ્વારા આગમચેતીનાં ભાગ રૂપે વ્યારા સ્થિત ૨૩ જેટલી કોવીડ હોસ્પિટલોનાં વાયરીંગની ચકાસણી સ્વયં નાયબ ઈજનેર/જુનિયર ઈજનેર તથા વિદ્યુત નિરીક્ષક/સહાયક વિદ્યુત નિરીક્ષક સાથે મળીને કરવામાં આવેલ હતી. વીજપુરવઠો ખોરવાય તેવી પરિસ્થિતિમાં ૨૪ કલાક વીજપુરવઠો જાળવી રાખવા અને વીજપુરવઠો અવિરત ચાલુ રાખવા માટે દરેક કોવિડ હોસ્પિટલમાં જનરેટરનું મોકડ્રીલ સફળતા પુર્વક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૯ પેટા વિભાગીય કચેરીમાં વિભાગ દીઠ ક્વિક રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમમાં ૧ નાયબ ઈજનેર,૨ જુનિયર ઈજનેર,૨૫ લાઈન સ્ટાફ તથા ૨૦ કોન્ટ્રાકટર નાં માણસો સાથે કુલ ૨૭ ઈજનેર,૨૨૫ ટેકનીકલ કર્મચારી તથા ૧૮૦ કોન્ટ્રાકટરનાં માણસોની ટીમ આજે પણ કાર્યરત છે. છેલ્લા ૨ દિવસથી વાવાઝોડાના ઓછા-વત્તા પ્રમાણના અનુભવો તાપી જિલ્લામાં જોઇ શકાય છે. આ સમય દરમિયાન ભારે પવનના કારણે વિવિધ ગામોમાં વીજપુરવઠો ખોરવાતા દ.ગુ.વીજ.કં.લી.ટીમનાં સફળ નેતૃત્વ હેઠળ ફીડરના પેટ્રોલિંગની કામગીરી કરી ૨૪ કલાકનાં જ્યોતિગ્રામ તથા અર્બન ફીડરોને પ્રાધાન્ય આપી વીજપુરવઠો સતત ચાલુ કરવામાં આવ્યો હતો.
તૌકતે વાવાઝોડું પસાર થઇ ગયા બાદ ૭૯ જેટલા ફીડરોનાં ૫૭ નંગ પોલ ફરી પાછા ઉભા કર્યા. તેમજ ઝાડ પડવાથી તૂટેલા વાયરો સાંધીને ૩૯૮ જેટલા ગામોમાં વીજપુરવઠો ફરી કાર્યરત કરવામાં આવ્યો હતો. આ તમામ કામગીરી એક્શન મોડમાં કરવાથી જિલ્લામાં કોઇ જાનહાની-પશુહાની, અન્ય નોંધપાત્ર નુકશાન કે જાહેર જનતાને કોઇ ખાસ તકલીફ પડી નથી. તૌકતે વાવાઝોડાના સંદર્ભે વિડિયો કોન્ફરંન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, આગોતરા આયોજન, આગમચેતી અને મંત્રીઓથી માંડીને રાજ્ય સરકારના નાનામાં નાના કર્મચારીના સક્રિય પ્રયત્નો તથા ગુજરાતના લોકોના અભૂતપૂર્વ સહકારથી ગુજરાત તૌકતે વાવાઝોડામાંથી સાંગોપાંગ મુક્ત થયું છે. ત્યારે તાપી જિલ્લાના વિવિધ વિભાગોની કુલ-૮૫ ટીમોએ પણ આ સેવાયજ્ઞમાં આહુતિ આપી જિલ્લાનું નામ રોશન કર્યું છે. જે દરેક તાપીવાસી માટે ગર્વની બાબત છે. જિલ્લાની તમામ વિભાગની ટીમોને સક્રિય કામગીરી બદલ અભિનંદન પાઠવવું યોગ્ય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500