Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચરસ અને રો-મટીરીયલનાં મુદ્દામાલ સાથે બે’ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ

  • January 10, 2024 

નેપાળથી ખાનગી બસમાં બેસી પુણે ચરસ અને રો-મટીરીયલની ડિલિવરી આપવા નીકળેલ આધેડ અને યુવકને સારોલી પોલીસે સીમાડા ચેક પોસ્ટ પરથી 5.900 કી.ગ્રા ચરસ અને 2.995 કી.ગ્રા. રો-મટીરીયલ સાથે ઝડપી પાડી ચરસ, રો-મટીરીયલ, ભારતીય અને નેપાળી કરન્સી, મોબાઈલ ફોન, વજનકાંટો વિગેરે મળી કુલ રૂપિયા 11.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેઓ જેના કહેવાથી ચરસ અને રો મટીરીયલની ડિલિવરી આપવા નીકળ્યા હતા તે જમ્મુમાં પથ્થર તોડવાનું કામ કરતા યુવકને સારોલી પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.



પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સારોલી પોલીસ મથકના કોન્સ્ટેબલ ભાવેશભાઈ રણછોડભાઈ અને ગણપતભાઈ લક્ષ્મણભાઈને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસે સાંજે વલથાણ નહેર તરફથી સીમાડા ચેક પોસ્ટ તરફ આવતા વોમલાલ ધર્તી પુનુ ધર્તી (ઉ.વ.52) અને તેના પુત્રના સાળા અવરોધ ધર્તીમગર જશબહાદુર ધર્તી (ઉ.વ.21,બંને રહે.નિસીગામ, જિ.બાગલુડ,નેપાળ)નાને રૂપિયા 8.85 લાખની 5.900 કી.ગ્રા ચરસ, રૂ.2,24,625ની 2.995 કી.ગ્રા. ચરસ બનાવવાના રો-મટીરીયલ, 2 મોબાઈલ ફોન, ભારતીય અને નેપાળી કરન્સી, વજનકાંટો વિગેરે મળી કુલ રૂપિયા 11,19,825/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ત્રણેક વર્ષ અગાઉ વોમલાલની ઓળખાણ જમ્મુમાં પથ્થર તોડવાનું કામ કરતા સંદીપ સાથે થઈ હતી. સંદીપે તે સમયે વોમલાલને કહ્યું હતું કે, તું મને ચરસનો જથ્થો પહોંચાડજે તેના હું તને સારા રૂપિયા આપીશ. થોડા દિવસ અગાઉ સંદીપે વોમલાલને ફોન કરી 8થી 9 કી.ગ્રા. ચરસ અને રો મટીરીયલ મંગાવી પુણે પહોંચી ફોન કરવા કહ્યું હતું. આથી વોમલાલે ગામ નજીકના અલગ અલગ સ્થળેથી ચરસ અને રો-મટીરીયલનો છૂટક જથ્થો ભેગો કર્યો હતો અને દીકરા બાગી બહાદુરના સાળા અવરોધ સાથે નેપાળથી ખાનગી બસમાં પુણે જવા નીકળ્યા હતા.



જોકે બસ વાયા સુરત પુણે જવાની હોય પોલીસ બસમાં ચેકીંગ કરશે તેમ વિચારી તેઓ નેશનલ હાઇવે પર ઉતરી ગયા હતા અને સુરતથી બીજી બસ પકડી પુણે જવા નક્કી કરી પોલીસને શંકા નહીં પડે તે માટે નેશનલ હાઈવેથી કેનાલવાળા રોડ પર ચાલતા ચાલતા સુરત આવતા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા. તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, સંદીપ માત્ર મિડિયેટર છે અને તેના કહેવાથી પહેલી વખત તેઓ ચરસ પહોંચાડવા જતા હતા. ઘટના અંગે સારોલી પોલીસે ગુનો નોંધી સંદીપને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application