સચિન નજીકના પાલી ગામ સ્થિત ડાયમંડ પાર્કની સામે લારીવાળાઓને ઉંચા વ્યાજ દરે ફાઇનાન્સ કરી લોહી ચુસવાનો ધંધો કરનાર વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચે નાંણા ધીરધાર અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
સુરત ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે વરાછાના ત્રિકમ નગર વિસ્તારમાં રહેતો નૈનેષ સોલંકી પાલી ગામ સ્થિત ડાયમંડ પાર્ક સામે લારીવાળાને ઉંચા વ્યાજ દરે ફાઇનાન્સ કરે છે. જેના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે પાલી ગામ ડાયમંડ પાર્ક પાસેથી નૈનેષ દયાળજી સોલંકી (ઉ.વ. 45 રહે. દિનેશ નિવાસ, ચામુંડા નગર, ત્રિકમનગર પાસે, એલ.એચ. રોડ, વરાછા) ને ઝડપી પાડી તેની પાસેથી મોબાઇલ ફોન અને રોકડા રૂ. 2 હજાર ઉપરાંત બે નાની બુક મળી આવી હતી. બુક ચેક કરતા તેમાં અલગ-અલગ પેજ ઉપર વ્યાજે આપેલા રૂપિયાનો હિસાબ હતો.
પોલીસે નૈનેષની હાથ ધરેલી પૂછપરછમાં શહેરના જુદા-જુદા વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને લાયસન્સ વગર ફાઇનાન્સ કરવાનો ધંધો કરતો હોવાની કબૂલાત કરી હતી. જેથી ક્રાઇમ બ્રાંચે ગુજરાત નાંણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500