ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારની બદી વધી રહી છે ત્યારે ડિવિઝન સ્કવોડ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સાદરામાં દોરડો પાડવામાં આવ્યો હતો અને અહીં વરલીનો જુગાર રમતા 5 જુગારીઓને પકડીને 14 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, સાદરા ગામમાં સૂબાવાળો વાસ ખાતે કેટલાક શખ્સો ભેગા થઈને વરલીનો જુગાર રમી રહ્યા છે.
જે બાતમીના પગલે પોલીસ ટીમમાં અહીં દરોડો પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે પોલીસ અહીંથી જુગાર રમતા સાદરા ગામના કનુજી તખાજી ચૌહાણ, અર્જુન ઉદાજી ઠાકોર, સમીર ઉસ્માનગની મેમણ, જાખોરા ગામના મુકેશ રણછોડભાઈ ઠાકોર અને ઉગાજી મહોતજી ઠાકોરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ત્રણ મોબાઈલ અને રોકડ રકમ મળી 14 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને તેમની સામે ચિલોડા પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ અડાલજ પોલીસની ટીમ દ્વારા પણ અડાલજ ગામના આંબલી વાળા વાસ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં જુગાર રમતા અડાલજના વિક્રમ છગનજી ઠાકોર, દિપક અમૃતભાઈ લુહાર, અમૃતજી બળદેવજી ઠાકોરને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી 13 હજાર ઉપરાંતનો મુદ્દામાં કબ્જે કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500