મહારાષ્ટ્રનાં પરિવહન કમિશનરએ જાહેર કર્યું હતું કે, મુંબઈ-પુણે હાઈવે પર તારીખ 1લી ડિસેમ્બરથી શરૂ કરાયેલા અભિયાનમાં નિયમોનું ઉલ્લંઘન કરવા માટે 40 હજાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. એમાં 6 હજાર વાહન ચાલકોને સીટબેલ્ટ ન પહેરવા માટે તેમજ 7 હજાર વાહન ચાલકોને મંજૂર કરતા વધુ ગતિએ કાર હંકારવા માટે દંડિત કરાયા હતા. આ અભિયાન પુણે એક્સપ્રેસવે અને જૂના મુંબઈ-પુણે હાઈવે પર ચલાવાઈ રહ્યું છે અને મે સુધી ચાલુ રહેશે. કમિશનરે જણાવ્યું કે, નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી થઈ રહી છે. ખાસ કરીને સીટ બેલ્ટનો ઉપયોગ નહિ કરનારાને દંડિત કરાઈ રહ્યા છે.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ જ માર્ગ પર થયેલા અકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના નિધન પછી પરિવહન વિભાગે આ અભિયાનને મહત્વ આપ્યું છે. પરિવહન વિભાગ વિશેષ કરીને સીટ બેલ્ટ વિશે વાહન ચાલકોને સજાગ કરવા માગે છે. હાઈવે પર સીટ બેલ્ટનો ઉપયોગ નહિ કરનારાને દંડ ઉપરાંત કાઉન્સેલિંગ માટે પણ મોકલી દેવાય છે. વધુ ગતિએ કાર હંકારનારાનું પણ કાઉન્સેલિંગ કરાય છે. તેમની પાસે તેઓ ફરી નિયમનું ઉલ્લંઘન નહિ કરે તેવી માર્ગ સુરક્ષા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. પરિવહન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર મુંબઈ-પુણે રૂટ પર વધુ ગતિએ કાર ચલાવવાના જાન્યુઆરીમાં 2,508 અને ફેબુ્રઆરીમાં 1,596 કેસ બન્યા હતા.
માર્ચ અને એપ્રિલમાં અત્યાર સુધી હજારથી ઓછા કેસ થયા છે. સીટ બેલ્ટનો ઉપયોગ નહિ કરવા માટે જાન્યુઆરીમાં સૌથી વધુ 1,541 કેસ બન્યા હતા. એવી જ રીતે લેન કટીંગ માટે 6,411 સામે કાર્યવાહી થઈ હતી જેમાં મોટી સંખ્યા ભારે વાહનોની હતી. નિયમિત કારચાલકોએ જણાવ્યું કે, ટ્રકો ઘણીવાર જમણી લેન પર ચલાવીને કાર માટે જોખમ સર્જે છે. અભિયાન દરમ્યાન પરિવહન અધિકારીઓએ ૬૫૬ વાહન ચાલકોને ડ્રાઈવિંગ દરમ્યાન મોબાઈલ પર વાત કરવા માટે પકડયા હતા, જ્યારે 3,194 વાહન ચાલકોને ગેરકાયદે પાર્કિંગ કરવા માટે અને 1,226 વાહનો સામે અયોગ્ય હોવા માટે કાર્યવાહી કરાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500