વ્યાજે આપેલ નાણા વ્યાજ સાથે વસુલી લીધા બાદ વધુ રકમ વસુલવા માટે લેણદારને બ્લેન્કમેલમાં ખોટી રકમભરી બેન્કમાં રજુ કરી બાઉન્સ કરાવવાની ધમકી આપનાર દાહોદના વધુ એક વ્યાજખોર સામે પોલિસ ફરિયાદ નોંધાયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ ગોદીરોડ,મિશન હોસ્પિટલની સામે રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતા ૬૨ વર્ષીય નિશારભાઈ અબ્દુલભાઈ મફતને દાહોદ અર્બન બેન્કમાં વ્યાજ ભરવાનું હોઈ અને બાકીના રૂપિયા ધંધામાં નાંખવાના હોવાથી તેઓએ તા. ૧૮-૬-૨૦૨૦ના રોજ દાહોદ ભગીની સમાજ સામે નગીના મસ્જીદ પાસે રહેતા ઈરશાદભાઈ એહમદભાઈ જાબર પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂપિયા ૩ લાખ લીધા હતા અને બેન્ક ઓફ બરોડાના બે કોરા ચેકો પણ ઈરશાદભાઈ જાબરને આપ્યા હતા.
નિશારભાઈ મફત દર મહિને રૂપિયા ૧૫૦૦૦ ઈરશાદભાઈ જાબરને કુલ ૩૦ મહિના સુધી નિયમિત આપીને કુલ રૂપિયા ૪,૫૦,૦૦૦ ચુકવી દીધા હતા તેમ છતાં નિશારભાઈ મફતને વ્યાજના રૂપિયા બાકી છે તેમ કહી ઈરશાદભાઈ જાબરે વ્યાજના વધુ રૂપિયા વસુલી લેવા માટે નિશારભાઈ મફતને ઈરશાદભાઈ જાબરે તમારા સહીવાળા બ્લેન્ક ચેકમાં ખોટી રકમ ભરી ખોટી રકમ વાળો તે ચેક બેન્કમાં રજુ કરી બાઉન્સ કરાવી દેવાની ધામધમકી આપી હતી.
આ સંબંધે દાહોદ ગોદીરોડ, મિશન હોસ્પિટલની સામે રહેતા નિશારભાઈ અબ્દુલભાઈ મફતે નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ બી ડીવીઝન પોલિસે દાહોદ, ભગ્ની સમાજ સામે, નગીના મસ્જીદની બાજુમાં રહેતા ઈરશાદભાઈ એહમદભાઈ જાબર વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૮૪,૫૦૬ તથા ગુજરાત ધીરધાર અધિનિયમ-૨૦૧૧ની કલમ ૪૦, ૪૨(એ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500