ઉચ્છલનાં ચઢવાણ ગામમાં ૪૩ વર્ષીય મહિલાનું ગળું દબાવી હત્યા કરી રૂપિયા ૬૦,૦૦૦/-નાં સોના-ચાંદીના ઘરેણાં લૂંટ મામલે પોલીસે ગામના જ અનેશ વસાવાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં ચઢવાણ ગામના સુમિત્રાબેન વસાવા (ઉ.વ.આ.૪૩) નીચલા ફળીયામાં નવા પાકા મકાનમાં એકલા રહેતા હતા.
જોકે ગત તારીખ ૨૧/૦૨/૨૦૨૫ નારોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે મહિલાનું ગળું દબાવી જાનથી મારી નાંખી ગળામાં પહેરેલું સોનાનું મંગળસુત્ર, નાકની સોનાની નથની, કાનમાં પહેરેલ સોનાની બુટ્ટી અને બંને હાથમાં પહેરેલ ચાંદીની આઠ બંગડી, પગમાં કડા જેવી ઝાંઝર જે તમામ ઘરેણાં અંદાજીત રૂપિયા ૬૦,૦૦૦/-નાં લુંટી લઇ ફરાર થઈ ગયા હતા.
તે દરમિયાન મૃતકનો પુત્ર ઘરે આવ્યો ત્યારે બૂમો પાડવા છતા માતાએ રૂમનો દરવાજો નહીં ખોલતા શંકા ગઇ હતી. પુત્રએ ઢાબા પરથી સીડી મારફતે રૂમમાં પ્રવેશ કરતા માતાને મૃત હાલતમાં જોઈ હતી. અજાણ્યા ઇસમ સામે હત્યા અને લૂંટની ફરીયાદ દાખલ કરી હત્યારા સુધી પહોંચવાની તપાસ પોલીસે હાથ ધરતા પોલીસે બે દિવસમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. મહિલાની હત્યા તથા લુંટ કરનાર આરોપી અનેશભાઈ કાથાભાઈ વસાવા (ઉ.વ.૪૨., રહે.ચઢવાણ ગામ, કંટોલ ફળીયા, તા.ઉચ્છલ)ની પોલીસે ધરપકડ કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500