Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વર્ષ – 2021માં થયેલી હત્યામાં આરોપીને આજીવન કેદની સજા

  • March 12, 2024 

ગાંધીનગરના દહેગામ તાલુકાના ઈશનપુર ગામમાં વર્ષ – 2021માં ગાળો બોલવાની અદાવતમાં પરિણીતાની દાંતીનાં ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરવાના ગુનામાં ગાંધીનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે આર શાહે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.


દહેગામ તાલુકાના એક ગામમાં રહેતા ખેડૂત શકરાજી ચૌહાણ તા. 28/6/2021ની રાત્રે પત્ની કમુબેન અને સંતાનો સાથે જમી પરવારીને ઘરે બેઠા હતા. આ દરમ્યાન પાડોશી રામાજી ચૌહાણ ઘરે જઈને ગાળા ગાળી કરવા લાગ્યો હતો. એ વખતે કમુબેને ગાળો બોલવાની ના પાડતાં રામાજી ઉશ્કેરાઈ જઈને કહેવા લાગેલો કે, આજે તો તારો પતિ હોવાથી તું બચી ગઈ નહિતર પતાવી દેત. મારી સામે બોલવાનું નહીં કહી ડોળા કાઢીને જતો રહ્યો હતો. બીજા દિવસે શકરાજી કામ અર્થે ચીસકારી ચોકડીએ ગયા હતા. ત્યારે કમુબેન પાડોશમાં રહેતી મહિલા સાથે બેઠા હતા. અને પોતાના માથાના વાળ વળાવી રહ્યા હતા. આ દરમ્યાન રામાજી ચૌહાણ હાથમાં દાંતી લઈને પહોંચી ગયો હતો.


બાદમાં કાલે રાત્રે કેમ બહુ બોલતી હતી કહી કમુબેનનાં માથા સહિતના શરીરનાં ભાગે દાંતીનાં ઘા ઝીંકવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઈને પાડોશી મહિલા ઈજાગ્રસ્ત કમુબેનને છોડાવવા વચ્ચે પડ્યા હતા. પરંતુ રામાજીએ તેમની સામે પણ દાંતી મારવાની કોશિશ કરી હતી. જેથી પોતાનો જીવ બચાવવા પાડોશી મહિલા ઘરમાં જતાં રહ્યાં હતાં. બાદમાં બુમાબુમ થતા રામાજી ત્યાંથી ભાગી ગયો હતો. અને ગંભીર હાલતમાં કમુબેનને 108 એમ્બ્યુલન્સ થકી ગાંધીનગર સિવિલથી અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે દહેગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી રામાજી ચૌહાણની ધરપકડ કરી લીધી હતી. અને જરૃરી આધાર પુરાવા એકઠા કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.


જે કેસ ગાંધીનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે આર શાહની કોર્ટમાં ચાલી જતાં મહત્ત્વના સાક્ષીઓની જુબાની લઈ સરકારી વકીલ જીગ્નેશ જોશી દલીલ કરેલી કે, ઘટનાને તમામ નજરે જોનાર શાક્ષીઑ મહદઅંશે અશિક્ષિત અથવા તો અર્ધ શિક્ષિત હોવા છતાં ઘણા લાંબા સમયે પણ તમામ નજરે જોનાર શાક્ષીઓએ ઘટનાને સંપૂર્ણ પણે સમર્થન કરેલ છે. તથા આરોપીએ સમજી વિચારીને આગલા દિવસની ઘટનાની અદાવત રાખી બીજા દિવસે સદર કૃત્ય કરેલ છે.

વધુમાં તેમણે દલીલ કરેલ કે, આવા સંજોગોમાં આરોપી દ્વારા કરવામાં આવેલ હત્યા પ્રિ-પ્લાન મર્ડર ગણી શકાય અને તેથી હાલના આરોપીને મહત્તમ સજા થવી જોઈએ. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી રામાજીને હત્યા કરવાના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા રૂ. 5 નો દંડ તેમજ જો દંડની રકમ ન ભરે તે વધુ 1 વર્ષની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application