વલસાડના અબ્રામા વિસ્તારમાં પોતાના ઘરની સામેથી પસાર થતી ગંદા પાણીના નિકાલ માટેની ગટરની સાફસફાઈ કરી રહેલા યુવાન અને તેમની પત્ની પર કુહાડીથી ઘા કરીને ગંભીર ઈજા પહોંચાડવાના ગુનામાં સંડોવાયેલો પાડોશી આરોપીને કોર્ટે તક્સીરવાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અબ્રામાં ધરમપુર રોડ પર આવેલ બેંક ઓફ બરોડાની સામે સ્થિત જી.પી.સી. પ્લાયવુડ નામની દુકાન નજીક રહેતા અને પાસે આવેલી સંકલ્પ ઇન્ટીરીયર ફર્નીચર નામની દુકાનમાં સાફ-સફાઈનું કામકાજ કરતા અરૂણભાઈ પટેલ ગત તા.૯-૧૧-૨૦૨૨ નારોજ ઘરની સામેથી પસાર થતી ગંદા પાણીના નિકાલ માટેની ગટરની સફાઈ કરી રહ્યા હતાં.
જે દરમિયાન પાડોશમાં રહેતા સાહિલ સુરેશ પટેલ કે જેને આ ગમતુ નહીં હોવાથી સ્થળ પર દોડી આવીને તેના હાથમાંની કુહાડીથી અરૂણભાઈના માથામાં ઘા કર્યો હતો. આ સાથે જ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયેલા અરૂણભાઈ પર સાહિલે પીઠ તથા ડાબા હાથ પર પણ કુહાડીના થા કરી દીધા હતા. પતિની બૂમાબૂમ સાંભળીને દોડી આવેલી અરૂણભાઈની પત્ની મધુબેને સાહિલના હાથમાંથી કુહાડી છિનવી લેવાનો પ્રયાસ કર્યો તો તેમના પગના ભાગે કુહાડીથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડાઈ હતી. ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે વલસાડ સિવિલમાં ખસેડાયા હતાં.
જયારે અતિ ગંભીર રીતે ઈજા પામેલા અરૂણભાઇને સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતાં. પોલીસે ગુનો નોંધી આરોપીને જેલભેગો કરી દીધો હતો. જે અંગેનો કેસ અત્રેની સેશન્સ કોર્ટમાં ચાલી જતા એ.જી.પી. ભરતભાઈ પ્રજાપતિની દલીલોને માહ્ય રાખી સત્ર ન્યાયાધીશ વી.કે. પાઠકે આ કેસના આરોપી સાહિલ સુરેશ પટેલને ઈ.પી.કો.ની કલમ-૩૦૭ના ગુનામાં કસૂરવાર ઠેરવીને પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૨૫,૦૦૦/-નો દંડ અને દંડ ના ભરે તો વધુ ૦૩ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. દંડની રકમ આરોપી જમા કરાવે એટલે વળતર તરીકે ઈજા પામનાર ફરિયાદી લકવાગ્રસ્ત હોવાથી તેમના વતી તેમની પત્નીને ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500