દમણ જિલ્લા અને સેશન્સ કોર્ટમાં 4 વર્ષથી ચાલી રહેલા હત્યાના પ્રયાસના કેસમાં ન્યાયાધીશ શ્રીધર એમ. ભોંસલેએ આરોપી જીજ્ઞેશ મનુભાઇ પટેલને દોષિત ઠેરવીને 5 વર્ષની જેલ અને 10હજારના દંડની સજા ફટકારી છે.
25મી મે, 2019ની મોડી રાત્રે આશરે 12.40 વાગ્યે મોટીદમણ પટલારાના રહેવાસી જીજ્ઞેશ મનુભાઇ પટેલ અને કેતન મુકેશભાઇ પટેલ બંને તેમના ગામની વાડીમાં પાર્ટી કરી રહ્યા હતા, ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને જીજ્ઞેશ પટેલે ચાકુથી કેતન પટેલ પર હુમલો કરીને છાતી અને પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે કલ્પેશ મુકેશ પટેલે મોટી દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આરોપી જિજ્ઞેશ પટેલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસ માટે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ કેસના તપાસ અધિકારી એએસઆઇ ધર્મેશ ધોડીએ તપાસની કાર્યવાહી શરૂ કરી હતી અને આરોપીને પકડવા માટે જીજ્ઞેશ પટેલના ઘરે પહોંચ્યા હતા, પરંતુ જીજ્ઞેશ પટેલ દમણમાંથી ભાગી ગયો હતો અને ગુજરાતમાં છુપાયો હતો. પોલીસે આરોપીના ઘરેથી ઘટનામાં વપરાયેલી છરી મળી હતી. છરી પર લોહી હતું, પોલીસે આ છરીને તપાસ માટે એફએસએલમાં મોકલી આપી હતી. દમણ પોલીસને આરોપી જીગ્નેશ પટેલ દમણમાં આવવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
PSI ધર્મેશ ધોડીએ 23 ઓગસ્ટ 2018ના રોજ દમણ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આજે આ મામલાની સુનાવણી કરતા સેસન્સ કોર્ટના જજ શ્રીધર એમ. ભોંસલેએ આરોપીના ઘરેથી મળેલી છરી પર પીડિતાનું લોહી અને 8 સાક્ષીઓને સાંભળ્યા બાદ આરોપી જિજ્ઞેશ પટેલને હત્યાના પ્રયાસના કેસમાં દોષિત ઠેરવી 5 વર્ષની જેલ અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાયે દલીલ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500