સન ૨૦૧૮માં સુરત જિલ્લાના બારડોલીમાં દુકાને કુરકુરે લેવા જતી ૧૪ વર્ષીય સગીરાને ત્રણ નરાધમોએ રીક્ષામાં ઘરે મુકી જવાનુ કહી જવેલર્સની દુકાનમાં લઈ ગયા બાદ વારાફરથી બળાત્કાર કર્યો હતો. ગેંગરેપનો આ કેસ આજે ચાલી જતા સુરતની સેશન્સ કોર્ટે ત્રણેય નરાધમ યુવકોને કસુરવાર ઠેરવી ૧૪ વર્ષની સખતમાં સખત કેદની સજા ફટકારી હતી. તેમજ સાથે સગીરાને રૂપિયા ૭.૫૦ લાખનું વળતર ચુકવવા માટેનો પણ આદેશ કર્યો હતો.
નરાધમોએ સગીરાને રીક્ષામાં ઘરે મુકી જવાનુ કહી જવેલર્સની દુકાનમાં લઈ જઈ વારાફરથી બળાત્કાર કર્યો હતો
આ કેસની વિગત મુજબ ગત તા. ૨૬-૦૪-૨૦૧૮ના રોજ બારડોલીમાં રહેતી એક ૧૪ વર્ષની સગીરા નામે મીના (નામ બદલ્યુ છે) કુરકુરે લેવા માટે ગઇ હતી. આ દરમિયાન તેની પાસે બારડોલીના ગોવિંદ નગરમાં રહેતા નરેશ ઉર્ફે અજય ધર્મા ઝવરેએ કહ્યું કે, ચાલ તને મારી ઓટોરિક્ષામાં ઘરે મુકી આવું. નરેશ સગીરાને લઇને બારડોલીના મદીના માર્કેટમાં એક જ્વેલરી શોપમાં લઇ ગયો હતો. આ જ્વેલરી શોપમાં કામ કરતા અને બારડોલીના પાકીઝા શોપીંગ સેન્ટર પાસે રહેતા છોટુ શાંત મુડી તેમજ બારડોલીના માંગી ફળિયામાં રહેતા આકાશ અંબુભાઇ રાઠોડ પણ ત્યાં આવ્યા હતા. શરૂઆતમાં નરેશે બળાત્કાર ગુજાર્યો ત્યારબાદ છોટુ અને આકાશે પણ ત્રણથી ચાર વાર બળાત્કાર ગુજારી સગીરાને તરછોડી દીધી હતી.
ભોગબનનાર સગીરાના પરિવારને રૂ. ૭.૫૦ લાખ વળતર ચૂકવવા પણ કોર્ટનો હુકમ
મોડી રાત્રે ઘરે ગયેલી સગીરાને તેના પિતાએ પુછ્યું પરંતુ ટીના ગભરાઇ ગઇ હતી. ત્યારબાદ પિતાએ શાંતિથી પુછ્યું ત્યારે ટીનાઍ પોતાની સાથે થયેલી આપવીતિ કહી હતી. ત્યારબાદ બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નરેશ, છોટુ તેમજ આકાશની સામે સામૂહિક બળાત્કારનો ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરી હતી. દરમિયાન આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ દલીલો કરી હતી અને આરોપીઓને વધુમાં વધુ સજા કરીને સમાજમાં દાખલો બેસાડવામાં આવે તેવી માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ત્રણેયને ૧૪ વર્ષની સખત કેદની સજા તેમજ ૫ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ ઉપરાંત બાળકીના પરિવારને ૭.૫૦ લાખ વળતર સ્વરૂપે આપવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને આદેશ કર્યો હતો.
કોર્ટે કહ્યું : બાળા સાથે ગેંગરેપ જેવા અધમ ગુનામાં આરોપી દયાને પાત્ર નથી
સુરતની સેશન્સ કોર્ટે ચૂકાદો આપતા કહ્યું હતું કે, સગીરાને ગોંધી રાખીને બળાત્કાર ગુજારાયો છે. ડોક્ટરની તપાસમાં પણ સગીરા સાથે ત્રણથી ચાર વાર બળાત્કાર થયાનું પુરવાર થયું છે. યુવા વયના છે અને ભોગ બનનાર કુમળી વયની છે. આરોપીઓએ પોતાની જાતિયવૃતિ સંતોષવા સગીરા ઉપર ભયાનક અને અધમ કૃત્ય કરી માનવતાની તમામ સીમાઓ ઓળંગી છે અને તેઓના કૃત્યને વખોડવા માટે શબ્દો ઓછા પડે તેમ છે. દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપ કેસમાં ભોગબનનારનું મૃત્યુ થતા સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો હતો. ત્યારબાદ સ્ત્રીમાં થતા અત્યાચારને ડામી દેવા કાયદામાં સુધારાપ કરાયા હતા. આ પ્રકારની ગુનાખોરી કરતા ગુનેગારો અટકે અને સમાજમાં તેનો સારો સંદેશ જાય અને ન્યાયિક ક્રિય પર લોકોનો વિશ્વાસ વધે તે જરૂરી છે. સગીરવયની બાળા સાથે ગેંગરેપ જેવા અધમ ગુનામાં આરોપીઓ દયાને પાત્ર નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500