ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં હવે અનેક સવાલો ઉઠ્યા છે. લોકોમાં ચર્ચા છે કે, કારચાલક તથ્ય પટેલે ડ્રગ્સનું સેવન કર્યુ હતું. પોલીસે ડ્રીન્ક ડ્રાઇવનો કેસ કેમ કર્યો નહી. પોલીસે માત્ર રફતારને કારણે જ અકસ્માત થયો છે તે મુદ્દે વાત આગળ ધરી છે.જયારે દારૂ-ડ્રગ્સની આખીય વાત હવામાં ઉડાડી દીધી છે. ટૂંકમાં, રાજકીય વગ ધરાવતા પ્રજ્ઞેશ પટેલ માટે ખુદ પોલીસે જ માર્ગ મોકળો કરી આપ્યો હોય તેવુ પ્રસ્થાપિત થયું છે.
બુધવારે ઇસ્કોન બ્રિજ પર દોઢેક વાગ્યાના સુમારે અકસ્માત સર્જાયો હતો તે વખતે જાણ થતાં કારચાલકના પિતા પ્રજ્ઞેશ પટેલ રિવોલ્વર દેખાડીને પોતાના પુત્ર તથ્યને લઇને સિમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતાં. લોકોમાં ચર્ચા છેકે, તથ્યએ નશીલા પદાર્શ અથવા દારૂનું સેવન કર્યુ હોય તેમ લાગતુ હતુ. જોકે, પોલીસે સારવારના બહાને તથ્ય પટેલ ઉપરાંત અન્ય યુવક-યુવતીઓના ટેસ્ટ સમયસર લીધા નહીં બલ્કે પાંચ-છ કલાક પછી લીધા જેથી બ્લડ ટેસ્ટમાં બધાય આરોપીને કલીનચીટ મળી ગઇ છે. આમ, નશીલા પદાર્થના સેવનની વાત જ આખાય પ્રકરણમાંથી બાદબાકી થઇ છે.
નબીરાઓને જાણે અકસ્માત કેસમાંથી સેફ પેસેજ કરી આપવા અત્યારથી જ પ્રયાસ થઇ રહ્યા છે. એવી ચર્ચા છે કે,જગુઆર કારમાંથી બે વ્હાઇટ પાવડરની પડીકી હતી તે પણ કયાં ગૂમ થઇ ગઇ તે હજુ રહસ્યમય છે.ઘટના સ્થળેથી એવી કોઇપણ વાંધાજનક વસ્તુ મળી આવી નથી તેવો પોલીસનો તર્ક ગળે ઉતરે તેમ નથી. નબીરાઓના છાકટા પુત્રોને જાણે કાયદાનો જરાયે ડર નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500