રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિર પાસે મજૂરી કામે કેમ ન આવ્યો તેમ પૂછતાં યુવાને હથોડી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં નાંદોદ તાલુકાના ભુછાડ ટેકરી ખાતે રહેતા હસમુખભાઇ શંકરભાઈ વસાવા, મિત્ર વિજયભાઇ તથા તેની પત્ની ઉર્મીલા બેન સાથે રાજપીપળા હરસિધ્ધી માતાના મંદિર સામે ખુલ્લા કંપાઉન્ડમાં બેઠા હતા. તે વખતે નર્મદા જિલ્લા પોલીસ ના નિવૃત પોલીસ કોન્સ્ટેબલના પુત્ર સુરેશ સૂપડુભાઈ મોરે એ તુ કેમ અમારી સાથે મજુરી કામે ન આવ્યો ?? એમ કહી હથોડી માથામાં મારી અને જાનથી મારવાની ધમકી આપી હતી. આ મામલે રાજપીપળા પોલીસ મથકમાં સુરેશ અને તેની સાથેના એક યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
હવે આ જ ગુનાની તપાસને લઈને રાજપીપળા પોલીસ સુરેશ સૂપડુભાઈ મોરે અટકાયત કરી હતી. નિયમ મુજબ એના કોરોના ટેસ્ટની રાહ જોવાઈ રહી હતી. ત્યારે પૂછતાછ દરમિયાન સુરેશ ને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા એને સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. ત્યાં હાજર તબીબોએ સુરેશને મૃત જાહેર કર્યો હતો. સુરેશ ના મૃતદેહને ત્યાંથી સીધો જ પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયો હતો. દરમિયાન ત્યાં નાંદોદ પ્રાંત અધિકારી કે.ડી.ભગત, DYSP રાજેશ પરમાર તથા રાજપીપળા ટાઉન પીઆઈ સહિત અન્ય અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તમામ અધિકારીઓએ પણ યુવાન સુરેશના મૃતદેહની તપાસ કરી હતી. એ બાદ પીએમ ની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જો કે મૃતક સુરેશ સૂપડુભાઈ મોરે ના મૃતદેહ પર કોઈ જ ઈજાના નિશાન ન દેખાતા પેનલ પીએમ કરવા આવેલા તબીબોએ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમનો આગ્રહ રાખ્યો હતો. બાદ તુરંત 2 પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે સુરેશ સૂપડુ ભાઈ મોરેના મૃતદેહને સુરત ખાતે ફોરેન્સિક પીએમ માટે મોકલી અપાયો હતો.
રાજપીપળા પોલિસ મથકમાં પૂછતાછ માટે લવાયા બાદ બનેલી આ ઘટનામાં કોઈ વિવાદ પેદા ન થાય એ માટે એનું વિડીયો ગ્રાફી સાથે ડોકટરોની પેનલ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવાનું નક્કી કરાયું હતું પણ અચાનક નિર્ણય કેમ બદલાયો એ ચર્ચાનો વિષય બન્યો હતો.
જોકે આ બાબતે નર્મદા DYSP રાજેશ પરમારે જણાવ્યું હતું કે, રાજપીપળા પોલીસ મથકમાં પૂછતાછ માટે જ્યારે સુરેશ ને લવાયો તે દરમિયાન એનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મૃતક સુરેશને હાર્ટનો પ્રોબ્લેમ હતો, અગાઉ એનું એક ઓપરેશન પણ થયું હતું. તબીબોના મતે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે સુરેશના મૃતદેહને સુરત ખાતે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત નું ચોક્કસ કારણ જાણી શકાશે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500