Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મેડિકલ કમિશનનાં નવા રેગ્યુલેશન્સ મુજબ MBBSનાં પ્રવેશ માટે ધોરણ-૧૨ સાયન્સ મુખ્ય વિષયો સાથે પાસ કરેલુ હોવુ જોઈએ

  • June 10, 2023 

નેશનલ મેડિકલ કમિશન દ્વારા ગ્રેજ્યુએશન મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ ૨૦૨૩નું ફાઈનલ નોટિફિકેશન કરી દેવામા આવ્યુ છે. આ નવા રેગ્યુલેશન્સ મુજબ હવે મેડિકલમાં પ્રવેશ માટે માત્ર ધોરણ-૧૨ પાસ જ જરૂરી રહેશે. જે તે બોર્ડમાં ફીઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીનાં થીયરી-પ્રેક્ટિકલના ૫૦ ટકા પાસિંગ સ્ટાન્ડર્ડનો નિયમ દૂર કરી દેવાયો છે. આ ઉપરાંત MBBSમાં હવે જે તે રાજ્યની પોતાની પ્રવેશ પ્રક્રિયાને બદલે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારે નક્કી કરેલી ઓથોરિટી દ્વારા સંપૂર્ણપણે નીટના મેરિટથી કોમન સેન્ટ્રલાઈઝડ એડમિશન પ્રક્રિયા હાથ ધરાશે. ધોરણ-૧૨ સાયન્સ પછી બી ગુ્રપનાં વિદ્યાર્થીઓ માટેના મેડિકલ પ્રવેશના નવા નિયમો અંતે નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરવામા આવ્યા છે.




અગાઉ ફેબુ્રઆરીમાં મેડિકલ કમિશને ગ્રેજ્યુએશન મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ ૨૦૨૩નો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો અને સૂચનો મંગાવ્યા હતા. સૂચનો અને મંતવ્યો બાદ નેશનલ મેડિકલ કમિશન દ્વારા ફાઈનલ રેગ્યુલેશન્સ જાહેર કરી દેવામા આવ્યા છે. જેનાથી મેડિકલ-MBBS એજ્યુકેશન સીસ્ટમમાં ઘણા ફેરફારો થશે. મેડિકલ કમિશનના આ નવા રેગ્યુલેશન્સ મુજબ હવે MBBS પ્રવેશ માટે માત્ર ધોરણ ૧૨ સાયન્સ મુખ્ય વિષયો સાથે પાસ કરેલુ હોવુ જોઈએ. અગાઉ ધોરણ ૧૨ સાયન્સમાં ફીઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીનાં થીયરી-પ્રેક્ટિકલનાં ૫૦ ટકા મેડિકલ પ્રવેશ માટે ફરજીયાત. પરંતુ હવે નવા નિયમો મુજબ મેડિકલ પ્રવેશ માત્રને માત્ર સંપૂર્ણપણે નીટના સ્કોરથી જ થશે.




મેડિકલ પ્રવેશ માટેની નવી લાયકાતો મુજબ વિદ્યાર્થીએ ૩૧ જાન્યુઆરીનાં રોજ કે તેની પહેલા ૧૭ વર્ષ પુરા કરેલા હોવા જોઈએ. ધોરણ ૧૨ સાયન્સ ફીઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી કે બાયોટેકનોલોજી અને અંગ્રેજી સાથે પાસ કરેલુ હોવુ જોઈએ. આ ઉપરાંત નવા રેગ્યુલેશન્સની જોગવાઈઓ મુજબ દેશમાં આવેલી તમામ મેડિકલ કોલેજોમાં MBBSમાં કોમન કાઉન્સેલિંગ પ્રક્રિયાથી જ પ્રવેશ અપાશે. આ માટે ભારત સરકાર ડેજિગ્નેટેડ ઓથોરિટીની રચના કરશે અને નિમણૂંક કરશે. જે સંપૂર્ણપણે માત્ર મેડિકલ પ્રવેશની કામગીરી કરશે. ભારત સરકારની નક્કી કરાયેલી એજન્સી જ પ્રવેશ પ્રક્રિયાના નિયમો-પદ્ધતિઓ તૈયાર કરશે અને તે જ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા થશે.




અગાઉ મેડિકલ પ્રવેશમાં સીટ મેટ્રિક્સ ભારત સરકારનાં આરોગ્ય મંત્રાલય હેઠળના તબીબી શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાતુ હતુ પરંતુ હવે મેડિકલ કોલેજોમાં બેઠકોની સંખ્યા-સીટ મેટ્રિક્સ પણ નેશનલ મેડિકલ કમિશન જ તૈયાર કરશે. હાલ MBBSમાં ૧૫ ટકા ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકોને બાદ કરતા બાકીની બેઠકો માટે જે તે રાજ્યની મેડિકલ પ્રવેશ સમિતિ કાઉન્સેલિંગ દ્વારા પ્રવેશ પ્રક્રિયા કરે છે પરંતુ હવે સમગ્ર દેશમાં કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા થશે અને જે માત્રને માત્ર યુજી-નીટના મેરિટના આધારે થશે.કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા જરૂર લાગે તેટલા એકથી વધુ કાઉન્સેલિંગ-એડમિશન રાઉન્ડ કરવામા આવશે.




મેડિકલ પ્રવેશમાં જોગવાઈઓ...


ધો.૧૨ સાયન્સ મુખ્ય વિષયો સાથે પાસ કરેલુ હોવુ જોઈએ,

યુજી નીટના મેરિટથી જ સંપૂર્ણપણે પ્રવેશ પ્રક્રિયા,

કેન્દ્ર સરકારની નક્કી કરેલ ઓથોરિટી દ્વારા દેશની તમામ કોલેજો માટે કોમન પ્રવેશ, 

બે વિદ્યાર્થીના સરખા નીટ સ્કોર હોય તેવી સ્થિતિમાં ફીઝિક્સ, ત્યારબાદ કેમિસ્ટ્રી અને ત્યારબાદ બાયોલોજીનાં સ્કોરને ધ્યાને લેવાશે,

વિષયદીઠ સ્કોરને ધ્યાને લીધા બાદ પણ જો સ્કોરિંગમાં ટાઈ પડે તો ડ્રો કરાશે અને જે માત્ર કમ્પ્યુટરાઈઝ હશે, માનવીય હસ્તક્ષેપ નહીં ચાલે,

નીટનો મિનિમમ એલિજિબલ સ્કોર નહીં હોય તો વિદ્યાર્થી ભારત કે ક્યાંય પણ મેડિકલ એજ્યુકેશન નહીં મેળવી શકે,

એડમિશન એજન્સી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયાના એક સપ્તાહમાં અંડર ગ્રેજ્યુએશન મેડિકલ એજ્યુકેશન બોર્ડને પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની યાદી સોંપશે,

જે તે કોલેજે પણ પ્રવેશ મેળવેલ પોતાના વિદ્યાર્થીઓની યાદી કોર્સ જોઈનિંગના એક સપ્તાહમાં એજ્યુકેશન બોર્ડને સોંપશે,

એજ્યુકેશન બોર્ડ દ્વારા પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની યાદી જાહેર કરાશે અને મેડિકલ કમિશનની વેબસાઈટ પર પણ મુકવામા આવશે.




યુજી મેડિકલ એજ્યુકેશનનાં નવા રેગ્યુલેશન્સમાં પ્રવેશ નિયમોના ભંગ બદલ દંડની કડક જોગવાઈ કરવામા આવી છે. જે મુજબ હવે કોઈ પણ મેડિકલ કોલેજ પાછલા બારણેથી બારોબાર પ્રવેશ આપશે કે ઓછા નીટ સ્કોર પર પ્રવેશ આપશે અને નિયમોનો ભંગ કરશો તો પ્રથમવાર કોલેજને એક કરોડ અથવા વિદ્યાર્થીની પુરા કોર્સની ફી બેમાંથી જે વધુ હોય તે દંડ કરાશે. બીજીવાર કોલેજની ગેરરીતિ પકડાશે તો બે કરોડ દંડ અથવા પુરા કોર્સની ડબલ ફી બેમાથી જે વધુ હશે તે દંડ કરાશે અને ત્યારબાદ પણ કોલેજની ગેરરીતિ ધ્યાને આવે તો કોલેજને મેડિકલ પ્રવેશ માટે ગેરમાન્ય કરવામા આવશે.




જો કોઈ પણ વિદ્યાર્થી આ રીતે બારોબાર ગેરકાયદે પ્રવેશ લેશે તો તેને મેડિકલ કોલેજમાંથી કાઢી મુકવામા આવશે અને કોલેજની ડબલ બેઠકો એકથી બે વર્ષ માટે ઘટાડી દેવામા આવશે. મેડિકલ કમિશન દ્વારા નવા રેગ્યુલેશન્સમાં વિદ્યાર્થીના માઈગ્રેશન અને ટ્રાન્સફર માટે પણ કડક જોગવાઈ કરવામા આવી છે. જેમાં હવે વિદ્યાર્થી બીજા વર્ષથી કોઈ પણ કોલેજમાં માઈગ્રેશન કે ટ્રાન્સફર નહીં લઈ શકે. અગાઉ વિદ્યાર્થી એક વર્ષ પુરુ કર્યા બાદ એક કોલેજથી બીજી કોલેજમાં ટ્રાન્સફર મેળવી શકતો હતો પરંતુ હવે આ શક્ય નહીં બને.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application