કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ 2023 માટે પણ દેશભરની સંસ્થાઓનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા આજે એટલે કે, તારીખ 5 જૂન, 2023ના રોજ બહાર પાડવામાં આવેલ NIRF રેન્કિંગ 2023 અનુસાર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) મદ્રાસ દેશની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા બની છે.
IIT મદ્રાસે ઓવર ઓલ કેટેગરીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે, જે તેણે સતત પાંચમા વર્ષે જાળવી રાખ્યો હતો. ત્યારબાદ બેંગ્લુરુમાં આવેલી ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc) બીજા સ્થાને છે. બીજી તરફ, યુનિવર્સિટી કેટેગરીમાં IISc બેંગ્લુરુ પ્રથમ ક્રમે રહી છે. IIT મદ્રાસે ફરી એકવાર શિક્ષણ મંત્રાલયનાં NIRF રેન્કિંગ 2023ની એન્જિનિયરિંગ શ્રેણીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે.
IIT મદ્રાસનો ક્રમ સતત આઠમા વર્ષે જળવાઈ રહ્યો છે. તેના પછી IIT દિલ્હી બીજા સ્થાને અને IIT બોમ્બે ત્રીજા સ્થાને રહી છે. તેવી જ રીતે ભારતની ટોચની કોલેજોની વાત કરીએ તો દિલ્હી યુનિવર્સિટીનું મિરાન્ડા હાઉસ આ કેટેગરીમાં દેશમાં સર્વશ્રેષ્ઠ કોલેજ છે. તેના પછી DUની હિન્દુ કોલેજ બીજા સ્થાને છે, જ્યારે બેંગ્લુરુની પ્રેસિડેન્સી કોલેજ ત્રીજા સ્થાને રહી છે.
સોમવારે જાહેર કરાયેલ NIRF રેન્કિંગ 2023 અનુસાર ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લુરુએ સંશોધન માટે શ્રેષ્ઠ સંસ્થાઓની કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જોકે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુર ઈનોવેશન કેટેગરીમાં દેશમાં પ્રથમ ક્રમે રહી છે. દેશની ટોચની મેનેજમેન્ટ કોલેજોની વાત કરીએ તો, NIRF રેન્કિંગ 2023 અનુસાર, ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM અમદાવાદ) પ્રથમ સ્થાને છે.
તે પછી બીજા સ્થાને IIM બેંગ્લુરુ જ્યારે ત્રીજા સ્થાને IIM કોઝિકોડ છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER), હૈદરાબાદ એ NIRF રેન્કિંગ 2023ની ફાર્મસી કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેના પછી દિલ્હી સ્થિત જામિયા હમદર્દ બીજા સ્થાને અને BITS પિલાની ત્રીજા સ્થાને રહી છે.
લૉની કેટેગરી વિશે વાત કરીએ તો નેશનલ લો યુનિવર્સિટી (NLU) બેંગ્લોરને NIRF રેન્કિંગ 2023માં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેના પછી NLU દિલ્હી અને યુનિવર્સિટી ઓફ લો હૈદરાબાદ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500