ડાંગ જિલ્લાનાં આહવા-વઘઈ માર્ગ પર નડગખાદી-હનવતચોંડ ફાટક પાસેનાં ઘાટમાં પિકઅપ ગાડી પલ્ટી મારી જતાં શોર્ટ સર્કિટ થતાં ગાડીમાં આગ લઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈજા પામેલી એક મહિલાને ૧૦૮માં આહવા સિવિલ હોસ્પિટલે લઈ જતા રસ્તામાં જ મોત નિપજ્યુ હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાનાં ઘાણીઆંબા ગામના કેટલાક મજૂરો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાચ ગામે કોલુનાં એટલે કે ગોળ બનાવવાના કામે ગયા હતાં. આ મજૂરો ગુરુવારે મજૂરી કરી પરત ફરી રહ્યા હતાં અને આ મજૂરો પિકઅપ ગાડીમાં સવાર થઈને લગભગ સાંજે ૩:૩૦ વાગ્યાના અરસામાં આહવા વઘઈ માર્ગ પર નડગખાદી ગામ પાસેનાં હનવતચોંડ ઘાટમાંથી પસાર થઈ રહ્યા હતાં.
તે વેળાએ પિકઅપ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી પલટી મારી ગઈ હતી અને આગ ભભૂકી ઉઠી હતી. આ પિક અપ ગાડીમાં કુલ ૬ વ્યક્તિઓ સવાર હતાં. ત્યારે અકસ્માત સર્જાતા ઘટનાં સ્થળ પર આવી સ્થાનિક આગેવાન રવિન્દ્રભાઈ ભિવસન દ્વારા તાત્કાલીક ઈજાગ્રસ્તોને બહાર કઢાવ્યા હતાં. આ અકસ્માતમાં ડ્રાઈવર અને એક મહિલાને ઈજા પહોંચી હતી. આ અકસ્માતને પગલે તાત્કાલિક ધોરણે ડાંગ પોલીસના કંટ્રોલ નંબર ૧૦૦ પર જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આહવા પી.એસ.આઈ. એમ.જી. શેખ તથા તેમનાં સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર પોહચ્યા હતાં.
તેમજ ઈજાગ્રસ્તોને સારવાર ૧૦૮ વાન મારફત આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતમાં હારપાડાના વતની રવિનાબેન બકારામભાઈ બાગુલને ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ અકસ્માતને પગલે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અહીં ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના અંગે વઘઈ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500