વાલોડના બાજીપુરા બાયપાસ હાઇવે રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે બાઈક સવાર પિતા-પુત્રના ગંભીર ઈજાઓના કારણે સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
મિનેશભાઈ અશોકભાઈ ચૌધરીની સાસરી સોનગઢ તાલુકાના ખડકા ચીખલી નિશાળ ખાતે આવેલ છે
મળતી માહિતી મુજબ વાલોડના દેગામા ગામના ટોકર ફળીયામાં પરિવાર સાથે રહેતા અને ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો મિનેશભાઈ અશોકભાઈ ચૌધરીની સાસરી સોનગઢ તાલુકાના ખડકા ચીખલી નિશાળ ખાતે આવેલ છે, મિનેશભાઈનો સાળો જીગ્નેશભાઇ નવીનભાઈ ચૌધરી પાસે હોન્ડા યુનિકોર્ન મોટર સાયકલ નંબર જીજે/૨૬/એફ/૦૫૬૯ ની હોય જે ગાડી જીગ્નેશભાઇ પોતે ચલાવતો હતો.ગઈકાલ તા.૦૪/૦૩/૨૦૨૩ નારોજ રાત્રીના અગ્યારેક વાગ્યાના સમયે ફરીયાદી મિનેશભાઈ ચૌધરીની છોકરીની તબિયત અચાનક બગડી જતા છોકરીને સારવાર અર્થે દેગામાથી વાલોડ સરકારી દવાખાને લઇ આવી રાત્રીના પૌણા બારેક વાગ્યાના સમયે સારવાર માટે દાખલ કરી હતી,
પિતા-પુત્ર મોટર સાયકલ ઉપર ખડકા ચીખલી ગામેથી નીકળી વાલોડ સરકારી દવાખાને આવતા હતા
જેની જાણ મિનેશભાઈની સાસરીમાં ફોનથી કરતા સસરા નવીનભાઈ નસાભાઈ ચૌધરી (ઉ.વ.૫૫) તથા નાનો સાળો જીગ્નેશભાઇ નવીનભાઈ ચૌધરી (ઉ.વ.૩૩) નાઓ મોટર સાયકલ ઉપર ખડકા ચીખલી ગામેથી નીકળી વાલોડ સરકારી દવાખાને આવતા હતા.તે દરમ્યાન ડોકટરે બીમાર છોકરીને વ્યારા રીફર કરવા જણાવ્યું હતું, જેથી પ્રાઇવેટ ફોર વ્હીલ ગાડીમાં બીમાર છોકરીને બેસાડી વ્યારા ખાતે લઇ જવા નીકળેલ ત્યારે રસ્તામાં સાળા જીગ્નેશભાઇને ફોન કરી જણાવેલ કે, છોકરીને વ્યારા રીફર કરેલ છે તમે વાલોડ નહીં આવતા વ્યારા પહોંચો” ત્યારે સાળાએ જણાવેલ કે, અમે બાજીપુરા આવી ગયા છે અહીથી પાછા વ્યારા તરફ જતા છે, તેવું કહી ફોન મૂકી દીધો હતો.
મોડીરાત્રે અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલને અડફેટેમાં લીધી
જોકે ત્યારબાદ તા.૦૫/૦૩/૨૦૨૩ નારોજ રાત્રીના અઢી વાગ્યાના સમયે વાલોડના બાજીપુરા બાયપાસ નજીક જૂની સોમ કંપનીની સામે નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે હોન્ડા યુનિકોર્ન મોટર સાયકલ નંબર જીજે/૨૬/એફ/૦૫૬૯ને પાછળથી ટક્કર મારતા બાઈક ઉપર સવાર પિતા-પુત્ર રોડ ઉપર પટકાતા અજાણ્યા વાહનના વ્હીલ નીચે આવી જતા બને જણાનું શરીરે ગંભીર ઈજાઓને કારણે સ્થળ પરજ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ મિનેશભાઈ અશોકભાઈ ચૌધરીને થતા સ્થળ ઉપર પહોંચી મૃતક પિતા-પુત્રની ઓળખ કરી હતી, બાદમાં વાલોડ પોલીસે મિનેશભાઈ ચૌધરીની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500