Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં અબોલ પશુઓને મહત્તમ પાંચ ઢોરની મર્યાદામાં પશુદીઠ ૪ કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે અપાશે

  • July 18, 2022 

રાજ્યના મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વરસાદે આજે દિવસ દરમિયાન વિરામ લીધો છે અને આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ક્યાંય રેડ એલર્ટ નથી. પોરબંદર, જુનાગઢ, વલસાડ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે.


આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે મીડિયાને માહિતી આપતા મંત્રીશ્રી ત્રિવેદીએ ઉમેર્યુ હતું કે, નવસારી જિલ્લામાં આજે વરસાદે વિરામ લીધો છે ત્યારે અબોલ પશુઓ માટે સૂકા ઘાસચારાની માંગ આવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ક્ષણનો પણ  વિલંબ કર્યા વિના અબોલ પશુઓને મહત્તમ પાંચ ઢોરની મર્યાદામાં પશુદીઠ ૪ કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે જેનું વિતરણ આજથી શરૂ થઈ જશે. નવસારી જિલ્લામાં ૧૩૨ ટીમો દ્વારા સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે.


મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારમાં ૫૭,૪૦૮ નાગરિકોને સલામત સ્થળે ખસેડી આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા હતા, તે પૈકી ૪૮,૧૦૨ નાગરિકો સ્વગૃહે પરત ફર્યા છે. જ્યારે ૯,૩૦૬ નાગરિકોને હજુ પણ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યા છે, તેમને પોષ્ટિક ભોજન સહિતની આરોગ્યલક્ષી સુવિધાઓ સ્થાનિકતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.


તેમણે ઉમેર્યું કે રાજ્યમાં તા.૭મી જુલાઈથી અત્યાર સુધીમાં ૫૬ માનવ મૃત્યુ નોંધાયા છે અને ૭૪૮ જેટલા પશુઓના મોત થયા છે. વરસાદના વહેતા પાણીના વહેણા સહિત અન્ય જગ્યાએ ફસાયેલા ૧,૫૧૩ જેટલા નાગરિકોને એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો સાથે સંકલનમાં રહીને વહીવટી તંત્ર દ્વારા બચાવી લેવાયા છે. એનડીઆરએફ- એસડીઆરએફના જવાનોએ કાબેલિયત જિંદાદિલી અને શૌર્યતાથી નાગરિકોના જીવ બચાવ્યા છે.


મંત્રીશ્રીએ કહ્યું હતું કે વરસાદે વિરામ લેતા નવસારીમાં મકાન અને આરોગ્ય સર્વે તેમજ કેશડોલ્સ વિતરણની કામગીરી ૧૩૨ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લાને તાત્કાલિક ધોરણે બે એડિશનલ કલેક્ટર તેમજ પાંચ ડેપ્યુટી કલેકટર પણ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય, મહેસૂલ સહિત સંબંધિત વિભાગોના નોડલ ઓફિસરો પણ પુન:વસનની કામગીરીમાં જોડાયા છે. નવસારી જિલ્લામાં રાહતની કામગીરી સુચારૂરૂપે કરી શકાય તે માટે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચનાથી રૂપિયા ૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૧૪,૬૪૨ બસ રૂટમાંથી ૧૪૦ રૂટ બંધ છે જે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.રાજ્યનાં ૧૮,૦૦૦ ગામો પૈકી માત્ર ૧૨૬ ગામોમાં વીજળી બંધ હતી તેમાંથી ૧૦૩ ગામોમાં વીજળી પૂર્વવત કરી દેવાઇ છે જ્યારે બાકીના ૨૩ ગામોમાં વીજળી ઝડપથી ચાલુ કરવાની કામગીરી ચાલી રહી છે. તા.૧ જુનથી ૩૧ જુલાઇ સુધી માછીમારી કરવા પરનો પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.



મંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યમાં વધુ વરસાદના કારણે છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, ડાંગ, રાજકોટ અને પોરબંદરમાં કુલ ૯ સ્ટેટ હાઇવે, પંચાયત હેઠળના ૧૭૧ રસ્તા તેમજ કચ્છ, પંચમહાલ, વલસાડ અને ડાંગમાં ૧-૧ એમ કુલ ૪ નેશનલ હાઇવે બંધ છે. આ તમામ માર્ગો બનતી ત્વરાએ ચાલુ કરવા વહીવટી તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે.રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર સરકાર તમામ ગુજરાતીઓની પડખે છે,તમામ મદદ માટે તત્પર છે.  કોઇએ પણ કોઇપણ સ્થિતિમાં ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી તેમ ગુજરાત સરકાર વતી મંત્રીશ્રીએ નાગરિકોને વિશ્વાસ અપાવ્યો હતો.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application