Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં આયુષ મેળો યોજાયો : 2635 નાગરિકોએ આયુષ મેળાનો લાભ લીધો

  • October 28, 2023 

માહિતી વિભાગ, તાપી : હર દિન હર કિસી કે લીયે આયુર્વેદ થીમ અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા વ્યારા સ્થિત દક્ષિણાપથ વિદ્યાલય ખાતે આયુષ મેળો યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે આયુર્વેદનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આયુર્વેદમાં ચરક ઋષિએ ખુબ સરસ રીતે આયુર્વેદ સંબંધિત વિવિધ પધ્ધતીઓ વર્ણવી છે. આજે આપણે આયુર્વેદમાંથી મન ખસેડી એલોપેથી તરફ વળ્યા. એલોપેથી ફક્ત રોગનું શમન કરે છે રોગનું નિરાકરણ કરતું નથી. જયારે આયુર્વેદના દરેક તત્વો કુદરતી હોવાના કારણે કોઇ નુકશાન થતું નથી અને રોગનું જળમુળથી નિરાકરણ થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આદિવાસીઓ કુદરતના ખોડે જીવન નિર્વાહ કરતી હોવાના કારણે આપણે આજે પણ આયુર્વેદના જ્ઞાનને ટકાવી રાખ્યું છે. ડી.ડી.ઓ.એ વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી આપણે આયુર્વેદને અપનાવવાની શરૂઆત ન કરીશું ત્યા સુધી કોઇ પરિવર્તન શક્ય નથી. તેમણે આયુર્વેદ અને યોગને રોજેંદી જીવન શૈલીમાં અપનાવવા ખાસ અનુરોધ કર્યો હતો.



તેમણે તંદુરસ્ત તનમાં તંદુરસ્ત મન રહે છે અને તંદુરસ્ત મન થકી દેશ અને દુનિયાનું ઉત્થ્થાન શક્ય છે એમ ઉમેરી ઉપસ્થિત સૌને આયુર્વેદ પ્રત્યે અન્યને જાગૃત કરવા વિનંતી કરી હતી. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આજના યુગમાં આપણે આયુર્વેદનું મહત્વ ભુલી ગયા છે. પરંતું આપણી આસપાસ આપણા રસોડામાં જ એવી વસ્તુઓ ઉલબ્ધ છે જે આપણા રોગોમાં કોઇ પણ આડ અસર વિના ઉપયોગી બની શકે છે. તેમણે મિલેટસ અંગે ભાર આપતા મિલેટ્સનો ઉપયોગ રોજીંદા જીવનમાં કરવા સૌને અનુરોધ કર્યો હતો. ડો.નિલેશભાઇએ આયુર્વેદનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, ઋતુ પ્રમાણે આહાર લેવા અંગે માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે શરદ ઋતુંમાં પિત્તના રોગો વધારે થાય છે એમ સમજ કેળવી હતી. અને આ ઋતુમાં પિત્ત વધારતા ખાદ્ય પદાર્થોથી દુર રહેવા અનુરોધ કર્યો હતો.



આ પ્રસંગે વ્યારાના યોગ ઇન્સ્ટ્રાક્ટર ભાઇ બહેનો દ્વારા યોગના આસનો પ્રદર્શિત કરીને યોગ કરવા લોકોને અપીલ કરી હતી. આ સાથે આઇસીડીએસ વિભાગ દ્વારા પોષ્ટિક આહારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોના હસ્તે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી તથા રોટરી ક્લબ વ્યારા દ્વારા ખાસ મિલેટસ પાકોમાંથી બનાવેલ પોષણ કીટ બાળકોને વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવોના હસ્તે આંગણવાડીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, વ્યારા ખાતે આયોજીત આયુષ મેળામાં કૂલ 2635 નાગરિકોઓ વિવિધ સારવાર અને ઉપચારનો લાભ લીધો હતો. જેમાં આયુર્વેદ નિદાન સારવાર હેઠળ 316 નાગરિકોએ, હોમિયોપેથી નિદાન સારવારમાં 137, અગ્નિકર્મ ચિકિત્સામાં 153, સુવર્ણપ્રાશનમાં 57, પ્રકૃતિ પરિક્ષણ 110, Ars AIB વિતરણ 284, આયુર્વેદ અમૃત પાનક 425 તથા પ્રદર્શનના લાભાર્થીઓ 528 અને આયુર્વેદ પ્રચાર-પ્રસાર 625 લાભાર્થીઓ મળી કૂલ 2635 જાહેરજનતાએ આયુષ મેળાનો લાભ લીધો હતો.



તાપી જિલ્લાનાં આયુષ મેળાની વિશેષતાઓ : આયુર્વેદના નિષ્ણાંત વૈદ્યો દ્વારા પ્રકૃતિ પરિક્ષણ કરી સારવાર આપવામાં આવી, જૂના સાંધા અને સ્નાયુના રોગોમાં તુરંત લાભકારક પંચકર્મ, અગ્નિકર્મ અને મર્મ ચિકિત્સાનું માર્ગદર્શન, ચામડી તથા કાન, નાક, ગળાના રોગો, સિકલસેલમાં હોમિયોપેથીક સારવાર આપવામાં આવી, બી.પી. ડાયાબીટીસ, થાઈરોઈડ, ઓબેસીટી–સ્થુળતા જેવા લાઈફ સ્ટાઈલને લગતા રોગો તેમજ માનીસીક રોગો માટે યોગ નિષ્ણાંત દ્વારા યોગ માર્ગદર્શન આપવામાં આવ્યું, વૃધ્ધાવસ્થાજન્ય રોગોની વિશેષ સારવાર આપી, રસોડાના ઔષધો તથા ઘરગથ્થુ ઉપચાર, લીલી વનસ્પતિઓ વિશે નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન, આયુષની જીવન પધ્ધતિ અપનાવવા બાબતે દિનચર્યા-ૠતુચર્યા વગેરેનું ચાર્ટ પ્રદર્શન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application