અમદાવાદ શહેરનાં વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક વિભાગના કર્મચારીઓ અને ટીઆરબી જવાનો દ્વારા દંડના નામે વાહન ચાલકો પાસેથી તોડપાણી કરવાની અનેક બાબતો સામે આવતી ઘટનાઓને લઇને પોલીસ કમિશનર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. જે અનુસંધાને શહેરના ઉચ્ચ સુપરવાઇઝરી અધિકારીઓને સુચના આપી છે કે, મહિનામાં એકવાર ખાનગી ડ્રેસમાં આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો. છેલ્લાં ઘણા સમયથી અમદાવાદના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર ટી.આર.બી. જવાનો અને ટ્રાફિક વિભાગ સ્ટાફ દ્વારા અન્ય વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે નિયમ ભંગના નામે નાણાં ઉઘરાવવામાં આવે છે. જે અંગે એસીબીમાં ગુના પણ નોંધવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ઉચ્ચ પોલીસ અધિકારીઓને અનેક ફરિયાદો પણ મળી ચુકી હતી. જે બાબતની ગંભીર નોંધ લઇને પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા તાકીદની સુચના આપવામાં આવી છે. જેમાં તેમણે શહેરના તમામ સુપરવાઇઝરી અધિકારીઓને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, ટ્રાફિક પોલીસની ગતિવીધી તેમના કામ કરવાની પધ્ધતિ પર નિયંત્રણ કરવાની આવશ્યતા છે. જેથી આ માટે ટી.આર.બી. અને ટ્રાફિક વિભાગના સ્ટાફ પર સુપરવિઝન કરવા માટે અમદાવાદના તમામ સુપરવાઇઝરી અધિકારીઓને મહિનામાં ઓછામાં ઓછુ એકવાર ખાનગી વાહનમાં અને ડ્રેસમાં ટ્રાફિકના વિવિધ પોઇન્ટ પર આકસ્મિક ચેકિંગ કરવા માટે જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ક્રિકેટ વિશ્વ કપના સમયે જી ડીવીઝન ટ્રાફિક પોલીસના સ્ટાફે દિલ્હીથી આવેલા એક વ્યક્તિ પાસેથી પ્રોહિબિશનનો ગુનો નોંધવાની ધમકી આપીને 20 હજારનો તોડ કર્યો હતો. તે ઉપરાંત, વાહન ચાલકો પાસેથી નાણાં પડાવવાના અન્ય એક પણ એ.સી.બી.માં નોંધાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500