સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારના સાંઇનગરમાં ભાડાની રૂમમાં રહેતા બે રૂમ પાર્ટનર વચ્ચે ઘરનું કામકાજ કરવા મુદ્દે થયેલો ઝઘડો લોહિયાળ બન્યો હતો. ઝઘડાની અદાવતમાં એક યુવકે બીજા યુવકના માથામાં લોખંડનો તવો અને કુકર મારી હત્યા કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે હત્યારાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. નજીવી બાબતે એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી બાદ વાત શાબ્દિક ટપાટપીથી શરૂ થઈને અત્યાર સુધી પહોંચી ગઈ હતી.
સચિન જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઘટના અંગે એસીપી જે કે પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સચિન જીઆઇડીસીના શિવનગર નજીક સાંઇ નગરના ઘર નં. 29, 30 માં ભાડાની રૂમમાં રહેતા કલ્લુ બડકુ નિશાદ સાથે અઠવાડિયા અગાઉ તેના ગામનો જ પવન પતરાખન નિશાદ નામનો યુવક રહેવા આવ્યો હતો. પવન રહેવા આવ્યાના બે દિવસ બાદથી તેઓ વચ્ચે નાની નાની વાત પર ઝઘડો શરૂ થયો હતો. ઘરમાં પાણી ભરવા અને કરિયાણાનો સામાન લાવવા બાબતે ઝઘડો થવા લાગ્યો હતો. જેથી કલ્લુએ તેના અન્ય રૂમ પાર્ટનર રામચંદ્ર ગુપ્તાને કહ્યું હતું કે, પવન કો રૂમ ખાલી કરવા દો. જો કે આ વાતની જાણ પવનને થઇ જતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ બાદ ગુસ્સામાં આવેલા પવને લોખંડના તવા અને કુકર વડે હુમલો કરી કલ્લુના માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યાં તેનું મોત થયું હતું. ઘટના અંગે સચિન જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પવન નિશાદની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કલ્લુ જીઆઇડીસીની મીલમાં છુટક કામ કરતો હતો, જ્યારે પવન સંચા ખાતામાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500