Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના યુવકે આંખે પાટા બાંધીને ચેસ બોર્ડ પર માત્ર ૧.૦૨ મિનિટમાં શતરંજના ૩૨ મહોરા ગોઠવ્યા

  • July 02, 2022 

જુલાઈ માસમાં ચેન્નાઈના મહાબલિપુરમ ખાતે યોજાનાર ૪૪મા ચેસ ઓલિમ્પિયાડની સૌપ્રથમ ટોર્ચ રિલે સુરત આવી પહોંચી હતી, ત્યારે સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં સુરતના ૨૪ વર્ષીય જીત વિપુલભાઈ ત્રિવેદીએ શતરંજના ૩૨ મહોરાઓને આંખે પાટા બાંધીને માત્ર ચેસ બોર્ડ પર ૧.૦૨ મિનિટમાં ગોઠવીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. ભારતમાં ‘બ્લાઈન્ડ ફોલ્ડેડ વન્ડર બોય’ તરીકે પ્રખ્યાત જીત ત્રિવેદી આંખે પાટા બાંધીને ચેસ સિવાયના વિવિધ ક્ષેત્રમાં પણ ૭ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યો છે.

સુરતની જુદી જુદી શાળાઓના ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સુરતમાં તેણે વર્લ્ડ રેકોર્ડનો સફળ પ્રયાસ કર્યો છે. જીતની આંખ બંધ કરીને તેના પર રૂ, સ્ટીલ પ્લેટ અને કાળો પાટો બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે ચેસના ૧૬ સફેદ અને ૧૬ કાળા એમ કુલ ૩૨ મહોરાને માત્ર ૧.૦૨ મિનિટમાં ગોઠવીને વધુ એક વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ગાઈડલાઈન્સ મુજબ આ રેકોર્ડ નોંધાવવા માટે ૧.૫૦ મિનિટની સમયમર્યાદા નિયત કરાઈ હતી, જેની સામે જીતને ૧.૦૨ મિનિટનો સમય લાગ્યો હતો. સૌએ જીતની કુશળતાને બિરદાવી હતી. આ સાથે નિયત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળશે.


મૂળ ભાવનગરના વતની જીત ત્રિવેદી હાલ સુરતના પાલનપોર જકાતનાકા વિસ્તારમાં રહે છે. તેણે આ વર્ષે ઓટોમોબાઈલ એન્જિનિયરીંગ પૂર્ણ કર્યું છે. તે આ સિદ્ધિ વિષે જણાવે છે કે, હું આ પહેલા પણ આંખે પાટા બાંધીને વિવિધ ક્ષેત્રમાં ૭ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યો છું. જેમાં મેં બ્લાઈન્ડ ફોલ્ડેડ સાયકલિંગ, બોલ કેચ, ફાસ્ટેસ્ટ રિડીંગ, બલુન બ્લાસ્ટમાં ૬ વિશ્વ વિક્રમ નોંધાવ્યા છે. આ ઉપરાંત ૧૮૬૮૦ ફૂટની ઉંચાઈએ આવેલા વિશ્વના સૌથી ઊંચા રોડ પર બ્લાઈન્ડ ફોલ્ડેડ સ્કુટર ડ્રાઈવિંગનો પણ રેકોર્ડ નોંધાવ્યો છે. રાજ્ય સરકારના ખેલમહાકુંભમાં ચેસ રમતમાં ત્રણ વખત જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવીને રાજ્ય કક્ષાએ ભાગ લીધો છે.



હાલ હું આ ક્ષેત્રમાં રસ ધરાવતા અને સિક્સ્થ સેન્સને સતેજ કરવા ઈચ્છતા કુશળ બાળકોને, માઈન્ડ પાવર ડેવલપમેન્ટ તેમજ બ્લાઈન્ડ ફોલ્ડેડ પ્રવૃત્તિઓની તાલીમ પણ આપું છું. ઉપરાંત, અંશત: કે સંપૂર્ણ અંધ વ્યક્તિઓને વિઝ્યુઅલાઈઝેશન વડે દ્રષ્ટિ વિના પણ જીવનની મહત્વની પ્રવૃત્તિઓ શીખવવા માટે મદદ કરૂ છું એમ જીત ઉમેરે છે.જીત માને છે કે, માણસ પાંચ મુખ્ય ઇન્દ્રિયોમાંથી કોઈ એક ગુમાવી દે છે ત્યારે અન્ય ચાર ઇન્દ્રિયો વધુ તેજ બની જાય છે. અંધ વ્યક્તિ પાસે દ્રષ્ટિ ભલે ન હોય, પણ તે બીજા અનેક ક્ષેત્રમાં કુદરતી રીતે કુશળ હોય છે. નોંધનીય છે કે, ફિટ ઈન્ડિયા અભિયાનના ભાગરૂપે વર્ષ ૨૦૧૯માં તેણે આંખે પાટા બાંધીને ગાંધીનગરના મહાત્મા મંદિરથી અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ સુધીનું ૨૬ કિમીનું અંતર સફળતાપૂર્વક કાપ્યું હતું. બ્લાઈન્ડ ફોલ્ડ પેઈન્ટીંગમાં પણ કુશળ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application